પહાડ પરથી વહેતા ઝરણાની કલ્પના કરો અને તમને જીવનનું સ્મરણ થશે. ઝરણાંનુ જળ ક્યાંક ધીરે ધીરે વહેતું હોય, એમ જિંદગી પણ શાંતિ, સરળતા અને મધુરતાથી વહેતી હોય છે, પરંતુ ક્યાંક વચ્ચે મોટો પથ્થર આવી જાય અને ખળખળ નાદે વહેતા ઝરણાનાં જળ અથડાઈને પાછા પડે તેવું પણ બને છે. એ પછી જરા ધ્યાનથી જુઓ તો એવું થશે કે ઝરણાનાં જળ પથ્થરની આજુબાજુથી માર્ગ કાઢી લેશે અને આગળ વધશે. એ પથ્થર પાછળ રહી જશે અને વહેતું ઝરણું ગાતું ગાતું આગળ વહેશે.
કંઈક આવી જ સ્થિતિ જીવનની હોય છે કે જ્યારે માનવીની જિંદગીમાં શાંતિ પ્રવર્તતી હોય, બધું વ્યવસ્થિત ગોઠવાઈ રહ્યું હોય, ઘર, કુટુંબ અને જગત સાથેના સંબંધોનો મેળ સધાતો હોય અને એવામાં કોઈક આપત્તિનો એવો પથરો આવી પડે કે સઘળું તિતર-બિતર કે વેરણ-છેરણ થઈ જાય. કોઈ સુખનું સુંદર સ્વપ્ન જોતાં હોઈએ અને એકાએક જાગી જતાં આખુંય સ્વપ્ન ચાલ્યું જાય, એવી સ્થિતિ થઈ જતી હોય છે.
જિંદગીમાં આપણી નજર હંમેશાં સુખ, શાંતિ અને સદ્ભાવ પર ઠરેલી હોય છે, જિંદગીની દોડમાં દોડે જતા હોઈએ છીએ. એક નાનકડી મુશ્કેલીની પણ આપણી કલ્પના હોતી નથી, પણ નાનકડી મુશ્કેલી આવે ત્યારે તે સામાન્ય મુશ્કેલી પણ વિરાટ પહાડ જેવી લાગે છે. જો એને પહાડ જેવી મુશ્કેલી માનીને અટકી ગયા, તો પ્રવાહ થંભી જાય છે. પરંતુ ઝરણું જેમ વિશાળ પથ્થરને પાર કરી આગળ વધે છે, તેમ જો એ અવરોધને પાર કરવાની મક્કમતા કેળવીએ તો પરિસ્થિતિ બદલાઈ જાય છે અને પછી તો એવું થશે કે એક અવરોધ પાર કર્યો હશે પછી મનમાં આપણે બીજો અવરોધ આવે તો પાર કરવા માટે તૈયાર થઈ જઈશુ. અટકાવનારો પથ્થર એ જિંદગીની વિહ્વળતા કે નિષ્ફળતા પણ બની શકે છે અને જિંદગીમાં હિંમત, સાહસ અને નિર્ભયતા જગાડનારો પણ બને છે.
કુમારપાળ દેસાઈ