મનની એકાગ્રતાની સાધના માટેનું પ્રથમ સોપાન તે સતત ચાલતી મનોવિહારની પ્રક્રિયાને ઓળખવાનું છે. માણસ ટ્રાફિકમાં ફસાઈ ગયો હોય અને એનું મન એ ક્ષણે વિદેશના વિશાળ માર્ગોનો વિચાર કરતું મોટ૨રેસ લગાવતું હોય. ટેલિવિઝનની એક પછી એક ચૅનલ રિમોટથી બદલતો હોય અને સાથે સાંજે કઈ હોટલમાં ભોજનાર્થે જવાનું છે એ વિચારતો હોય. એ કામ કરતો હોય ત્યારે ઊંઘનો અનુભવ કરતો હોય અને એ નિદ્રા માટે પલંગ પર પડીને કોશિશ કરતો હોય, ત્યારે દિવસભર થયેલા કામનો બોજ અને કરવાનાં કામોની ચિંતા અનુભવતો હોય.
આવા મનોવિહારને કારણે માણસ માત્ર રાત્રે જ સ્વપ્ન જોતો નથી, બલ્કે ભરબપોરે પણ સ્વપ્ન નીરખતો હોય છે ! આવાં દિવાસ્વપ્નોમાં એ સતત દોડતો રહે છે. એમાં પણ સામેની વ્યક્તિની વાતમાં સહેજે રસ ન હોય અને છતાં એ સાંભળવી પડતી હોય, ત્યારે આવાં દિવાસ્વપ્નમાં માણસ ડૂબી જાય છે. પોતાનો રોજિંદો નિત્યક્રમ કરતો હોય, ત્યારે પણ આવાં દિવાસ્વપ્નો એને ક્યાંય ને ક્યાંય ભ્રમણ કરાવે છે. એ સવારે ટેબલ પર બેઠો હોય, ત્યારે એને સાંજનાં કામનો વિચાર આવે છે. આમ આ દિવાસ્વપ્નોનો મનોવિહાર માણસને ક્યાંય ને ક્યાંય દોડાવે છે. દિવસનો મનોવિહાર રાત્રે પણ ચાલે છે. દિવાસ્વપ્નોની દોડધામ રાત્રિનાં સ્વપ્નોમાં પરિવર્તિત થઈ જાય છે. જેટલો મનોવિહાર નિયંત્રિત, એટલી સ્વપ્નોની દોડ ઓછી થાય, રાતની ઊંઘ ગાઢ બને અને મનની એકાગ્રતામાં વૃદ્ધિ થાય.
આવો મનોવિહાર કરતી વખતે વ્યક્તિ વ્યવસ્થિત રીતે દિવાસ્વપ્નો જોતી નથી. એ આડેધડ પસંદગી કરતી રહે છે અને એ પસંદગી પ્રમાણે મનમાં વિચારતો રહે છે. એક વિચાર-તરંગ જાગે, ત્યાં વળી બીજો વિચારતરંગ ધસી આવે છે અને એવામાં તરત જ ત્રીજો વિચાર મનમાં કૂદે છે. આ મનોવિહારને ઓળખ્યા બાદ જ મનની એકાગ્રતા સાધી શકાય.
કુમારપાળ દેસાઈ