સાંત્વના, આશ્વાસન અને સહાનુભૂતિ ઉઘરાવવાનો માણસને જો શોખ લાગી ગયો, તો એ સતત કોઈ ને કોઈ ફરિયાદ કરતો જ રહેશે. એ પોતે રોદણાં રડશે અને સામી વ્યક્તિની સહાનુભૂતિ ઉઘરાવીને રાજી રાજી થઈ જશે. નિરાશ ચહેરે ડાયાબિટીસ કે બ્લડપ્રેશર થયાની વાત કરશે, તો વળી કોઈ વ્યક્તિ ‘બીમારી કેડો મૂકતી નથી’ એવી ફરિયાદ કર્યા કરશે. કોઈ નિષ્ફળતાની કહાની કહીને એનું સમાપન કરતાં કહેશે કે ‘નસીબનો હું ભારે બળિયો છું, મને સદાય આવું જ થાય છે’.
આમ કેટલીક વ્યક્તિઓને પોતાની લાચારી વર્ણવીને બીજાની સહાનુભૂતિ રળવાની આદત પડી જાય છે, પરંતુ સમય જતાં એ આદત એને માટે મુશ્કેલીનું કારણ બની જાય છે. આવી સહાનુભૂતિ ઉઘરાવતી વ્યક્તિને મળવાનું લોકો ટાળે છે અને જો મળી જાય તો બનાવટી સહાનુભૂતિ પ્રગટ કરે છે. એમને પાઠવેલી સાંત્વના પણ અલ્પ સમયનો આડંબર હોય છે. બીજી બાજુ આવી સહાનુભૂતિ ઉઘરાવનારનું વ્યક્તિત્વ પણ નિર્બળ, બહાનાંબાજ અને દુઃખને ગાનારું બની જશે.
પોતાની નિર્બળતા પર પડદો પાડવા માટે એ સહાનુભૂતિના નુસખાઓ વિચારશે અને લોકો પણ સહાનુભૂતિ મેળવવાનાં એનાં બહાનાંઓને સમય જતાં પારખી જાય છે. આવી આદત વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે હાનિ પહોંચાડે છે. એનાથી વ્યક્તિના પાચનતંત્ર, હોર્મોન્સ સિસ્ટમ, નાડીના ધબકારા અને રોગપ્રતિકાર શક્તિ પર દૂષિત પ્રભાવ પડે છે, આથી જીવનમાં પ્રગતિ સાધવી હોય તો દુઃખનાં ગાણાં ગાવાં બંધ કરવાં, કારણ કે દુઃખનાં ગાણાં ગાવાની આદત જ સમય જતાં સ્વયં દુઃખસર્જક બનશે.
કુમારપાળ દેસાઈ