જમાનાની તેજ રફતાર સાથે કેટલીક બાબતો લુપ્ત થઈ રહી છે. વાત કદાચ જુનવાણી લાગે, પણ હકીકત એ છે કે કમ્પ્યૂટર, મોબાઇલ જેવાં આધુનિક સાધનોએ હાથથી લખવાનો મહિમા ભુલાવી દીધો છે. આજથી દોઢેક દાયકા પહેલાં મરોડદાર અક્ષરની તાલીમ અને સુલેખનની સજ્જતા કેળવવાના વર્ગો ચાલતા હતા. એની પરીક્ષા લેવાતી હતી. ગાંધીજીના અક્ષરો કે કોઈ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનના ગડબડિયા અક્ષરો પ્રત્યે સમાજમાં ઘણી રમૂજ પ્રચલિત હતી. ટપાલ લાવતા ટપાલીનો કેટલો બધો મહિમા હતો ! હવે આજથી વીસ વર્ષ પછી ધૂમકેતુની નવલિકા ‘પોસ્ટઑફિસ’ વાંચનારા યુવાનને કેવો અનુભવ થશે !
આ બધુંય સાચું, પણ સાથોસાથ લેખનની એક વિશેષતા એ હતી કે લખતી વખતે ક્યાંક હાથ થંભી જતો, કોઈ વધુ સચોટ માર્મિક કે સંવેદનશીલ શબ્દની શોધ થતી. હવે એવી શક્યતા ઝાંખી પડી ગઈ છે. આધુનિક સંશોધન પણ કહે છે કે હાથથી લખવાથી મગજ વિશેષ જાગૃત રહે. આપણા મગજનું રેટિકુલર ઍક્ટિવેટિંગ સેન્ટર એ ‘ફિલ્ટર’નું કામ કરતું હોય છે. લેખન સમયે એ ઉત્તમ શબ્દોની ખોજ કરીને સારા વિચારોને પોષતું હોય છે. જે બાળકો હાથથી લખે છે, એનો શબ્દ સાથે ગાઢ સંબંધ બંધાય છે અને એને કારણે એનામાં ધૈર્ય, એકાગ્રતા અને સહિષ્ણુતા જેવા ગુણોનો વિકાસ થાય છે. અક્ષરો પરથી વ્યક્તિત્વની ઓળખ આપતું આખું શાસ્ત્ર થોડા સમયે અભરાઈ પર ચડી જશે, છતાં એવું તો લાગે છે કે વ્યક્તિ ભલે કમ્પ્યૂટર સાથે કામ કરે, પણ રોજ એકાદ નાનકડો કાગળ લખે તો કેવું !
કુમારપાળ દેસાઈ