નિષ્ફળતાનો લાલ રંગ

 ‘હમણાં પનોતીનો સમય ચાલે છે’ અથવા તો ‘બધાં પાસાં અવળાં પડે છે’ કે પછી ‘સમય સહેજે સાથ દેતો નથી’ એવી ફરિયાદ આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ. સવાલ એ છે કે ઈશ્વરની માફક બિચારા સમયને પણ આપણે ખોટી રીતે દોષ તો આપતા નથી ને ? સમય પોતાની રીતે ચાલતો હોય છે. એ પોતાની પ્રવૃત્તિ સાથે કામ કરતો હોય છે. એ વ્યક્તિનો ક્યારેય સાથ છોડતો નથી. માનવીના જીવનમાં એકેય પળ એવી આવતી નથી કે જ્યારે સમયનો સાથ છૂટી ગયો હોય. પરંતુ ક્યારેક સફળતા મળે છે ત્યારે આપણને એ સમય સોનેરી લાગે છે અને નિષ્ફળતા સાંપડે છે ત્યારે સમય સાથ આપતો નથી તેવું લાગે છે.

આ પ્રકૃતિમાં ક્યારેક અતિવૃષ્ટિ થાય છે અને ક્યારેક અનાવૃષ્ટિ થાય છે. જીવનમાં ક્યારેક આપણને સફળતા મળતી હોય છે, તો ક્યારેક નિષ્ફળતા મળતી હોય છે. જ્યારે નિષ્ફળતા મળે ત્યારે વ્યક્તિ હતાશ થવાને બદલે થોડી રાહ જોઈને બેસે, તો સફળતા પણ મળે છે. સમયના રંગ આવા છે. એ રંગને જે ધૈર્યથી જુએ છે, તે સફળતા પામે છે. પણ જે એના લાલ રંગને જોઈને અટકી જાય છે, તે જીવનમાં સ્થગિતતા પામે છે.

કુમારપાળ દેસાઈ

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑