વિખ્યાત ફિલ્મ અભિનેતા દિલીપકુમારે ‘બ્લૅક’ ફિલ્મ જોયા પછી અમિતાભ બચ્ચનને એમની અદાકારીની પ્રશંસા કરતો પત્ર લખ્યો હતો, જે અમિતાભ બચ્ચને મઢાવીને પોતાના દીવાનખંડમાં રાખ્યો છે. પણ આજે તો એમ લાગે છે કે મનુષ્યજાતિ પત્રલેખનનું એક મહાન સંવેદનાત્મક માધ્યમ ગુમાવતી જાય છે. જમાનાની તેજ રફતારમાં અને ટૅક્નૉલૉજીની ઝડપી દોડમાં પત્રલેખન ધીરે ધીરે વિસરાતું જાય છે. તમે કોઈને ભેટ આપો, ત્યારે એની સાથે તમારી લાગણી અભિવ્યક્ત કરતો પત્ર આપો તો વ્યક્તિને એ કીમતી ભેટ કરતાં પત્ર વધુ મૂલ્યવાન લાગશે. પત્ર એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે ભાવનાત્મક સૂત્રમાં બાંધે છે. તમે શું કરો છો ? કોને મળ્યા ? શું અનુભવ્યું ? શું જોયું ? એ બધું વિગતવાર રીતે બીજાને લખો એટલે તમે તમારા આનંદનું પુનઃ સ્મરણ કરશો અને પત્ર પામનાર તમારા એ આનંદને આત્મસાત્ કરશે.
પત્ર લખતી વખતે શૈલીનો મહિમા નથી. વ્યાકરણ કે ભાષાશુદ્ધિની પણ ચિંતા હોતી નથી, કારણ કે પત્ર એ તો હૃદયની વાણી છે અને કેવું હૃદય ? તમને કોઈએ ભાવભર્યો પત્ર આપ્યો હોય અને તમે કોઈ બીજા ગામ કે બીજા દેશમાં જઈને એ પત્ર વાંચો, ત્યારે તમારું હૃદય એ વ્યક્તિ સાથે સંવાદ અનુભવે છે. તમે માત્ર એ સબંધોની ઉષ્મા જ અનુભવતા નથી, બલ્કે એની સાથોસાથ એક પ્રકારની ઉત્તેજના પણ અનુભવો છો. પત્ર ભલે એકાંતમાં વાંચતા હો, પરંતુ એમાં બે વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ હોય છે અને એ બંનેની સ્નેહ અને સંવેદનાને વધુ ને વધુ દૃઢ કરતો હોય છે.
કુમારપાળ દેસાઈ