પરિગ્રહની પળોજણ

આજનો માનવી પરિગ્રહના બોજ નીચે દબાઈને કચડાઈ ગયો છે. કોઈ ધનિકના ઘરમાં જોશો તો એ વ્યક્તિ પાસે પચાસ જેટલી બૂટ-ચંપલની જોડી હશે અને દોઢસોથી વધુ જીન્સ પૅન્ટ હશે. આનું એક કારણ તો એ કે ‘બાય વન, ગેટ ટૂ ફ્રી’ની લોભામણી વિજ્ઞાપનોમાં ફસાઈને એ પૈસા ખર્ચે જાય છે અને જરૂરિયાતની થોડીક વસ્તુની સાથે ઘણી બિનજરૂરી વસ્તુઓ એ ઘરમાં લાવીને ખડકે છે. સ્થિતિ એવી આવે છે કે ઘરમાં એટલું બધું એકઠું થઈ જાય છે કે પછી એને રાખવાની મુશ્કેલી પડે છે. કોઈકના ઘેરથી પચાસ વર્ષ પુરાણા છાલિયા, વાટકા અને કબાટ મળે, તો કોઈકના અવસાન બાદ જિંદગીમાં મળેલી નાનામાં નાની ચબરખીઓ, ટપાલો અને અખબારનાં કટિંગોના ઢગલા મળે છે.

આવી વ્યક્તિઓ મોહને કારણે બધું એકઠું કરીને જાળવતી રહે છે, પરંતુ જેમ ઘરમાંથી ધૂળ અને કચરો સાફ કરવામાં આવે છે એ રીતે બિનજરૂરી ચીજવસ્તુઓને પણ ઘરમાંથી વિદાય આપવી પડે. બધી વસ્તુઓ ફેંકી ન દઈએ તે સમજી શકાય તેવું છે, પરંતુ એ જ રીતે બધી જ વસ્તુઓ સંગ્રહી પણ ન શકાય. એક તો વ્યક્તિ પાસે જરૂર હોય, એના કરતાં વધુ ચીજ-વસ્તુઓ હોય છે. એમાંથી થોડાકનો એ ઉપયોગ કરે છે અને થોડીક ‘ક્યારેક’ ઉપયોગમાં આવશે એવી ગણતરી કરીને રાખે છે, પરંતુ ક્યારેય ઉપયોગમાં નહીં આવનારી વસ્તુઓ પણ ‘કદાચ’ ઉપયોગમાં આવશે એમ માનીને સંઘરે છે. એના પરિગ્રહના ઢગની નીચે ક્યાં તે દબાઈ જાય છે અથવા તો એટલું બધું પુરાણું ભેગું થઈ જાય છે કે પછી નવું આવવાની કોઈ જગા રહેતી નથી.

કુમારપાળ દેસાઈ

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑