પરિવર્તનને ચાહો !

કોઈ પણ નવી ટૅક્નૉલૉજી આવે એટલે એની સામે આક્ષેપોનાં બાણોની ઝડી વરસાવનારા તૈયાર હોય છે. આવા લોકોએ કમ્પ્યૂટરને ‘માનવચિત્તને મંદ કરનારું’ કહ્યું. ટેલિવિઝનને ‘ઇડિયટ બૉક્સ’ કહ્યું અને મોબાઇલ ફોનને ‘માણસજાત પરના ખતરા સમું’ ગણાવ્યું. આવા વિરોધોનો સંકેત શો ? એ દર્શાવે છે કે આવી રહેલા પરિવર્તન પ્રત્યેનો આપણો અભિગમ કેવો છે ? કેટલીક વ્યક્તિઓ પ્રત્યેક નવા પરિવર્તનને સ્વીકારવા માટે સહેજે તૈયાર હોતી નથી. પહેલાં તો એનો સમૂળગો ઇન્કાર અને અસ્વીકાર કરશે. એને માટે તર્ક, દાખલા-દલીલ, અનુભવો અને એમાં પડતી મુશ્કેલીઓની માયાજાળ ઊભી કરશે. ઝનૂનપૂર્વક પોતાની વાત રજૂ કરશે, પરંતુ હકીકત એ છે કે પરિવર્તનથી ભાગનાર લાંબો સમય એનાથી સર્વથા મુક્ત રહી શકતો નથી. અંતે એ જ લોકો આજે કમ્પ્યૂટર, ટેલિવિઝન કે મોબાઇલના શરણે ગયા છે !

પહેલી વાત એ છે કે પરિવર્તનને સ્વીકારતાં શીખો. એમાં આવેલા ફેરફારને બરાબર જુઓ. એને યોગ્ય રીતે પારખો. આટલું કર્યા પછી તમારે એના સ્વીકાર કે અસ્વીકારનો વિચાર કરવો જોઈએ. એના આગમનને આવકારવું કે નકારવું, એની પસંદગી તમે કરી શકો છે. તેથી પરિવર્તનને પ્રેમ કરશો, તો તમારા અનુભવની સમૃદ્ધિ વધશે. આંખો મીંચી દેવાથી, અણગમો દર્શાવવાથી કે આક્રોશ પ્રગટ કરવાથી પરિવર્તનને પાછું ધકેલી નહીં શકો. પરિવર્તનનો સ્વીકાર એટલે નૂતન અને મૌલિકને આવકાર. એના આવકાર અને ઉપયોગથી તમારા જીવનમાં પણ નવા રંગોની મનભર સૃષ્ટિ સર્જી શકશો.

કુમારપાળ દેસાઈ

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑