ચિત્તમાં કેટલાય વિચાર જાગતા હોય, પારાવાર સપનાં મનમાં અહીં-તહીં ઘૂમતાં હોય અને આંખમાં રંગબેરંગી કલ્પનાઓ રમતી હોય, તેમ છતાં વ્યક્તિ પોતાનાં વિચાર, સપનાં કે કલ્પનાને સાકાર કરી શકતી નથી. એ કોઈ નવા કાર્યનો પ્રારંભ કરે, ત્યારે એને વર્તમાનમાં ભવિષ્યની ચિંતા સતાવે છે. એ કોઈ નવા રસ્તે કદમ માંડવાનો વિચાર કરે, ત્યારે એ રસ્તો એને ધૂંધળો લાગે છે. એ કોઈ કલ્પના સાકાર કરવા ઇચ્છે, ત્યારે એની આંખોની આસપાસ ધુમ્મસછાયા વાતાવરણનો અહેસાસ થાય છે.
આવે સમયે એનું પહેલું પગલું મહત્ત્વનું બને છે. અત્યારસુધી જે મનમાં હતું, એને પહેલું કદમ ભરીને વાસ્તવમાં સાકાર કરવાનું હોય છે. પ્રેમ હોય, કાર્ય હોય કે નવી નોકરી હોય, એમાં પહેલા કદમ વખતે વ્યક્તિને પારાવાર દ્વિધા થતી હોય છે. એ પહેલું કદમ માંડતાં થોડી આનાકાની થતી હોય છે. ક્યારેક પગ ઊંચો કરીને પહેલું કદમ ભરવા જતાં પાછું પગલું પણ ભરી લે છે ! પણ હકીકતમાં પહેલું પગલું એ જ એને પ્રગતિના રાહ પર મૂકનારું છે.
તળેટીમાં પગલું મૂકનાર જ સમય જતાં પર્વતના શિખરે પહોંચી શકે છે. એ પહેલું પગલું ભરવામાં વાર કરે, તો એનો વિચાર નબળો પડે છે, એનાં સ્વપ્ન ધૂંધળાં થાય છે અને એની કલ્પના ઠરી જાય છે અને પછી તો એના પર એવી ધૂળ ચડે છે કે એ સ્વપ્ન કે વિચારને એ સ્વયં ઓળખી શકતો નથી. જેઓ પહેલું પગલું ભરી શક્યા છે, તેઓ જ પ્રગતિની રાહ કંડારી શક્યા છે.
કુમારપાળ દેસાઈ