જન્મથી મૃત્યુ સુધી પળેપળનો આપણો સાથી આપણો શ્વાસ છે. સમગ્ર જીવનયાત્રામાં વ્યક્તિ શ્વાસ લેતી હોય છે અને બહાર કાઢતી હોય છે. આ શ્વાસનો અપાર મહિમા છે અને તેનામાં અનંત શક્યતાઓ નિહિત છે. એનો પ્રત્યક્ષ સંબંધ દેહની તંદુરસ્તી, આત્માની શક્તિ અને આધ્યાત્મિક વિકાસ સાથે છે. એના યોગ્ય નિયમનથી દેહનું સ્વાસ્થ્ય જળવાય છે. એની શક્તિથી આત્માનું બળ ઓળખાય છે અને શ્વાસ દ્વારા એ આધ્યાત્મિક ઊર્ધ્વતાના માર્ગે આગળ વધે છે.
શ્વાસની સાચી ઓળખ માટે પ્રગાઢ શાંતિ જોઈએ અને એ ધ્યાનસ્થ પ્રગાઢ શાંતિથી વ્યક્તિ પોતાના આંતરિક અનુભવ સુધી પહોંચી જાય છે. માનવી એના દેહમંદિરમાં યાત્રા કરે છે અને શ્વાસ એના અપૂર્ણ દેહને પૂર્ણત્વ આપે છે. ગોચર દેહને અગોચરનો અનુભવ કરાવે છે અને તેથી જ શ્વાસ એ આપણા દેહમંદિરનો ‘ઈશ્વર’ છે.
શ્વાસ માટેની એ શાંતિનો તંતુ છેક ઈશ્વરપ્રાપ્તિની શાંતિ સુધી લંબાય છે. આ શ્વાસ બહાર નીકળે છે, ત્યારે માનવી મોકળાશ અનુભવે છે અને ભીતરમાં જાય છે ત્યારે આંતરખોજમાં પરિણમે છે. બહાર એ મુક્તિ છે, તો ભીતરમાં એ મોક્ષ છે.
કુમારપાળ દેસાઈ