બીજાના સાથની જરૂર

સાચી નિષ્ઠા હોય, કાર્યમાં પૂરી એકાગ્રતા હોય, એના માટે પ્રબળ ઇચ્છાશક્તિ હોય અને સાતત્યપૂર્ણ લગનથી કામ કર્યું હોય, છતાં ક્યારેક સફળતા હાથ લાગતી નથી. આવે સમયે વ્યક્તિ પોતાની ઇચ્છાશક્તિને દોષ આપે છે અને માને છે કે જરૂરી ઇચ્છાશક્તિના અભાવે જ આમાં નિષ્ફળતા મળી. પોતાની નિષ્ઠા વિશે એને શંકા જાય છે અને એકાગ્રતા સામે સવાલ ઊભો થાય છે. એથી આગળ વધીને નિષ્ફળતા માટે એ નસીબને દોષ આપે છે અથવા તો સમાજ કે દેશની અવરોધરૂપ પરિસ્થિતિને કારણભૂત ગણે છે.

હકીકત એ છે કે વ્યક્તિમાં પ્રબળ ઇચ્છાશક્તિ અને ઉત્કૃષ્ટ નિષ્ઠા હોય, તેમ છતાં એને ધારી સફળતા મળતી નથી. એનું કારણ સાવ જુદું જ હોય છે. એણે ઇચ્છાશક્તિથી કામ કર્યું, પરંતુ સફળતા માટે એને બીજાનો સાથ લેવાની જરૂર હતી. માત્ર પોતાની ઇચ્છાશક્તિ કાર્યસિદ્ધિ માટે પૂરતી હોતી નથી. એ કાર્યમાં કોઈને તમારા મિત્ર બનાવવાની જરૂર હોય છે. કોઈ સાથી જોઈએ છીએ. તમે એકલા એ સિદ્ધ કરી શકતા નથી. કેટલાક કામ માટે વ્યક્તિ ગમે તેટલું મથે, તો પણ એને બીજાના સથવારાની જરૂર હોય છે.

જેમ એકલો ખેલાડી આખી ટીમને વિજયી બનાવી શકતો નથી. સહુના સાથ અને સંઘબળની જરૂર હોય છે. એ એકલો જ કરે, તો એને નિષ્ફળતા જ મળે અને બીજાનો સાથ લે તો સરળતાથી સફળતા હાથ લાગે.

આમ ઇચ્છાશક્તિનો અર્થ વ્યક્તિએ એકલપટા બનીને કાર્યસિદ્ધિ માટે મથવું તે નથી. ઇચ્છાશક્તિનો ખરો અર્થ તો એ છે કે વ્યક્તિમાં કામ કરવાની પ્રબળ ઇચ્છા હોય. પોતાની એ પ્રબળ ઇચ્છામાં એ બીજાને સામેલ કરીને ટીમવર્કથી સફળતા મેળવે છે.

કુમારપાળ દેસાઈ

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑