બે ય સામસામા છેડે

પરિસ્થિતિ તદ્દન સમાન હોય, છતાંય પ્રતિભાવ તદ્દન ભિન્ન હોય ! સરખું વાતાવરણ હોય, તેમ છતાં એક વ્યક્તિને એ સજા જેવું લાગે, તો બીજી વ્યક્તિને મજા જેવું. એક વ્યક્તિને એ પરિસ્થિતિ વિશે ફરિયાદ કરવાનું મન થાય છે અને એના પ્રત્યે ઘોર નિરાશા અનુભવે, તો જ્યારે બીજી વ્યક્તિ એ જ પરિસ્થિતિ વિશે ધન્યવાદનો અનુભવ કરે અને ઉલ્લાસમાં ઝૂમી ઊઠે !

પરિસ્થિતિ સમાન છે, પરંતુ એમાંથી આનંદ કે વિષાદ નિપજાવવાની પસંદગી તમારા હાથમાં છે. એક વ્યક્તિ કોઈ પાર્ટીમાં જશે, તો બધાને આનંદથી મળશે. બીજાની વિશેષતાની પ્રશંસા કરશે અને જ્યાં નિકટતાનો અનુભવ થશે, ત્યાં એને ફરી નિરાંતે મળવાનો વાયદો પણ આપશે. વાર્તાલાપ કરતી વખતે એના ચહેરા પર હાસ્યની રેખાઓ હોય છે, આંખોમાં ઉમળકો હોય છે અને મનમાં એવો ભાવ અનુભવતો હોય છે કે આ ધરતી પર કેવા સરસ માનવીઓ છે ! આજે તો અમુક વ્યક્તિને મળીને ધન્ય થઈ ગયો. એણે બનાવેલી વાનગીઓની પ્રશંસા કરે છે અને સુંદર રેકોરેશન પ્રત્યે હરખ વ્યક્ત કરે છે.

બીજી એવી પણ વ્યક્તિ હોય છે કે જે કોઈને મળે અને એના ગુણને બદલે દોષ કહે, વિના કારણે એને કટુવચનો કહે અથવા તો ઝઘડો ઉઘરાવી લે. સામી વ્યક્તિ જાય એટલે પીઠ પાછળ એની ટીકા કરે, સહુનાં પ્રત્યે મોં મચકોડે, સામી વ્યક્તિને ઝીણી આંખે જુએ અને મનમાં કૉમેન્ટ પણ કરે કે કશી આવડત વિનાનો કેવો માલેતુજાર બની ગયો છે ! પાર્ટીમાં બનાવેલી વાનગી પર ટીકાની ઝડી વરસાવે અને રેકોરેશન તરફ અણગમો પ્રગટ કરે. સરખું વાતાવરણ હોવા છતાં બંને સામસામે છેડે !

કુમારપાળ દેસાઈ

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑