જિંદગીની વ્યસ્તતા, વ્યગ્રતા, વેદના, વિફળતા અને વિદારકતાથી કંટાળેલો સ્પર્ધાત્મક દુનિયામાં જીવતો માનવી એના જીવનને ‘રૅટ-રેસ’ તરીકે ઓળખાવે છે. જિંદગીની આ ‘રૅટ-રેસ’માં એ મૂંઝાયેલો, ગભરાયેલો, હતાશા અનુભવતો અને ઉદાસીન કેમ લાગે છે ? એના ચહેરા પરથી આનંદ ક્યાં ઊડી ગયો ? કેમ પ્રસન્નતા એની પાસે નજરે પડતી નથી? હકીકત એ છે કે જિંદગીની આ રૅટ-રેસ’માં એના આનંદનો આધાર મનના નિયંત્રણ પર છે. મન તમને દોડાવ્યે જાય છે. એને અટકાવવા માટેની બ્રેક તમારી પાસે હોવી જોઈએ. જો મનની બ્રેક બરાબર લાગશે, તો જિંદગીમાં આફતોના અકસ્માત ઓછા થશે. પણ જો બ્રેક બરાબર નહીં હોય, તો બહારની મોટી તો શું, પણ નાની ઘટના પણ તમને સતત પ્રભાવિત કરશે અને પરિણામે તમારો આનંદ સૂર્યનો પ્રકાશ પડતાં ઝાકળ ઊડી જાય, એ રીતે ઊડી જશે.
આધુનિક વિજ્ઞાન કે ટૅક્નોલોજી તમને બહારી દુનિયાની ઓળખ આપશે, પણ આંતરિક સ્થિતિ અને વૃત્તિની ઓળખ માટે જુદું વિજ્ઞાન અને જુદી જ ટેક્નોલોજી છે એ તમે જાણો છો ? આનંદની રાસાયણિક પ્રક્રિયાને તમે ઓળખો છો ? બહારની ઘટનાઓથી સતત પ્રભાવિત થશો, તો અંતે આનંદ અને સુખથી છૂટાછેડા લેવા પડશે. ખરો સવાલ છે બહારની ઘટનાઓનો મન પર પ્રભાવ. એનો વિચાર કરો કે તમારું મન, શરીર, ભાવના કે ઊર્જા પર તમારો પ્રભાવ છે કે બહારની પરિસ્થિતિઓનો પ્રભાવ છે ? જો એ બધા લાચાર બનીને બહારની પરિસ્થિતિની પ્રતિક્રિયા જ કરતા હોય, તો આનંદની પ્રાપ્તિ શક્ય નથી. આમ આનંદના અંગીકાર કે આનંદના અસ્વીકારની ચાવી મનની બ્રેક પર તમારો કેટલો કાબૂ છે તેના પર છે.
કુમારપાળ દેસાઈ