પ્રત્યેક વ્યક્તિ કુશળ અને વિચક્ષણ વાર્તાકાર હોય છે. એમાં પણ જેની સાથે અણબનાવ થયો, વિરોધ જાગ્યો હોય કે વિખવાદ સર્જાયો હોય તે વ્યક્તિ વિશે એની આસપાસ કથાનક રચવા લાગશે. ધીરે ધીરે એ કથાનકમાં ગુસ્સો, વેર, અતૃપ્તિ અને અણગમાનું આવરણ ઉમેરાશે. આચરણની કટુતા અને ઉદ્ધતાઈ પણ આવી જશે. આમ, વિરોધી માટે તમે કેટલીય વસ્તુઓની મનમાં ગોઠવણી કરશો.
સુષુપ્ત મનમાં આ બધી વાતો ઘર કરીને બેસી જશે અને પછી કોઈની સાથે થયેલા વેર-વિખવાદની કથા મહિનાઓ કે વર્ષો સુધી નહીં, પણ દાયકાઓ સુધી ચિત્તમાં પ્રચલિત રહેશે. કોણ જાણે કેમ, પણ માણસનું મગજ સતત એ વિવાદના બીજને અંકુરિત કરતું રહેશે. એને વેરના ઝેરનું ખાતર પૂરું પાડશે અને ધીરે ધીરે મતભેદમાંથી મનભેદ અને મનભેદમાંથી વિવાદ-વિરોધ સુધીની ગતિ થશે અને પછી આ રોમાંચક વાર્તામાં લડાઈ, ઝઘડા, મારામારી, અણબનાવ જેવા રોમાંચક વળાંકો પણ આવશે. તમે બે પંખી કે પશુને લડતાં જોયાં હશે. તે થોડી વાર બરાબર શિંગડાં ભરાવી દે કે ચાંચ મારી લે, પરંતુ પછી બધું જ યથાવત્ બની જતું હોય છે. જાણે કશું થયું ન હોય તે રીતે વર્તતાં હોય છે. જ્યારે માણસ તો પોતાના વિરોધી પ્રત્યે કેટલાય કુવિચારો કરે છે, ધીરે ધીરે એ વિચારોથી પોતાના વ્યક્તિત્વને રંગી નાખે છે અને પછી એ જ ઢાંચામાં એના વાણી અને વર્તનને ઢાળે છે અને આમ એક સમયનો પરમ મિત્ર એના પ્રખર દુશ્મન રૂપે પણ જોવા મળે તો નવાઈ નહીં !
કુમારપાળ દેસાઈ