બાળપણમાં વર્ગમાં ‘ચૂપ રહો’ કે ‘શાંતિ રાખો’ એવો શિક્ષકનો કડક અવાજ સાંભળવા મળે. ઉદ્ઘોષક સભાજનોને ‘બોલતા બંધ થાઓ, શાંતિ જાળવો’ એમ કહેતા હોય, શોકસભામાં મૌન રાખવાનો આદેશ અપાતો હોય. ધર્મસ્થાનમાં સદંતર મૌન ધારણ કરવું પડતું હોય. આમ ‘શાંતિ રાખો’ (સાયલન્સ પ્લીઝ) શબ્દ વ્યક્તિ જીવનભર સતત સાંભળતો હોય છે. કિંતુ પ્રત્યેકને માટે ‘શાંતિ’નો અર્થ જુદો જુદો હોય છે. જીવનની વ્યવહારુ મૂંઝવણોથી અકળાયેલો માણસ શાંતિ શોધવાની વાત કરે છે, તો આધ્યાત્મિક જગતની ગહેરાઈમાં જનાર પણ શાંતિની ખોજની વાત કરે છે. કેટલાક હવા ખાવાના સ્થળે જઈને શાંતિ મેળવવા કોશિશ કરે છે, તો કેટલાક કુદરતના ખોળે બેસીને શાંતિ પામવા કોશિશ કરે છે.
પણ આ શાંતિ વસે છે ક્યાં ? એ વસે છે માનવીની ભીતરમાં. જેમ ભૌતિક શરીર માટે શ્વાસ અનિવાર્ય છે, એ જ રીતે આધ્યાત્મિક શરીર માટે શાંતિ અનિવાર્ય છે. કારણ એટલું જ કે સાચી શાંતિ હશે તો જ વ્યક્તિ બહારની પરિસ્થિતિથી અકળાયેલો કે મૂંઝાયેલો નહીં રહે . જીવનના કુરુક્ષેત્રમાં શત્રુઓની વચ્ચે એ સ્વસ્થતા જાળવી શકશે. જો આંતરિક શાંતિ નહીં હોય તો વ્યક્તિને માટે જીવન એ કઠપૂતળીનો ખેલ બનશે. સંજોગો એને નચાવે એટલે એ નાચવા લાગશે. પ્રતિકૂળતાઓ એને પછાડે એટલે એ જોરથી નીચે પછડાશે અને નકારાત્મકતા એને ફાંસીએ લટકાવે તો એ એના જીવનને ફાંસીએ લટકાવતો રહેશે.
કુમારપાળ દેસાઈ