શ્વાસનો સાથ

જીવનભર આપણી સાથે રહેતી બાબત વિશે આપણે ભાગ્યે જ નજર કરીએ છીએ. છેક જન્મની પળથી માંડીને મૃત્યુની ક્ષણ સુધી આપણા સાથી રૂપે હોય છે શ્વાસ. આપણા આ પળેપળના સાથી શ્વાસના મહત્ત્વ વિશે આપણે કેટલો વિચાર કરીએ છીએ ? બસ, શ્વાસ લીધો અને છોડ્યો એ જ રોજિંદો અજાણ અનુભવ હોય છે. ફેફસાં નબળાં પડ્યાં કે દમનો વ્યાધિ થયો એટલે ચિંતાના સ્વરે શ્વાસની વાત કરીએ છીએ. લાંબુ દોડીને હાંફી જઈએ, ત્યારે શ્વાસની ધમણનો અહેસાસ થાય છે, પરંતુ આ શ્વાસ એ તો માનવીના જીવનને પૉઝિટિવ ઍનર્જીથી ભરી દેનારું સબળ સાધન છે, એ ધ્યાનીઓ સિવાય ભાગ્યે જ બીજા કોઈ જાણે છે !

આપણે શ્વાસ છોડીએ છીએ, ત્યારે આપણા ભીતરને ખાલી કરીએ છીએ. ભારમુક્ત બનીએ છીએ. સાવ અજ્ઞાત સમક્ષ આપણી જાત નિરાવરણ થઈ જાય છે. કોઈ સફરનો અંત આવ્યો હોય એવો શ્વાસ બહાર નીકળતી વખતે અનુભવ થાય છે.

શ્વાસ લઈએ છીએ, ત્યારે એમ લાગે કે હવે નવી સફરનો પ્રારંભ કરીએ છીએ. જેમ જેમ શ્વાસ લેતા જઈએ, તેમ તેમ આપણા ભીતરમાં રહેલી પ્રેરણાને આપણે સ્પર્શીએ છીએ. આપણી આંતરિક શક્તિઓમાં સળવળાટ અને સંચલન થાય છે અને એ સંચલન, એ સ્પર્શ, એ સ્પંદન આપણા ભીતરમાં જાગૃતિ પ્રેરે છે. એમાંથી જાગતી હકારાત્મક ઊર્જા દ્વારા એ સ્પર્શનું આકાશ વિસ્તૃત બનતું જાય છે અને નવીન અને વિશાળ ‘શક્તિ’નો અનુભવ કરીએ છીએ.

કુમારપાળ દેસાઈ

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑