ધૃતિ એટલે ધારણ કરવું. જીવનમાં સારી વાત ગ્રહણ ક૨વી. અનિષ્ટને બદલે ઇષ્ટ, અશુભને બદલે શુભ અને નકારાત્મકને બદલે સકારાત્મક વાત સ્વીકારવી. વ્યક્તિ કોઈ પણ વિચાર કરે છે ત્યારે એનો પહેલો પ્રતિભાવ એ આવે છે કે ‘આ મારાથી થઈ શકશે નહીં’, ‘આ કામ કરવાનો કોઈ અર્થ જ નથી’, ‘આને હું લાયક નથી’.
આમ પહેલો અવાજ નકારાત્મકતાનો આવતો હોય છે. આ નકારાત્મકતાને ઓળખીને અળગી કરવી કઈ રીતે ? એનો પ્રથમ ઉપાય એ છે કે જેવો નૅગેટિવ વિચાર જાગે કે ત્યાં જ થોભી જવું. એ વિચારને આગળ વધવા દેવો નહીં અને એનો બીજો માર્ગ એ છે કે મનનું ધ્યાન બદલીને એને એક ક્ષણ બીજી બાબતમાં – અન્યત્ર – લઈ જવું. એ પછી વ્યક્તિએ પોતાના વિચારનું તટસ્થ દૃષ્ટિએ અવલોકન કરવું. આથી કોઈ પણ વિચારને પારખવા માટે એનું તટસ્થ અવલોકન જરૂરી બને છે.
કોઈના વખાણ કરીએ કે નિંદા કરીએ, કોઈ વાતનો સ્વીકાર કરીએ કે અસ્વીકાર કરીએ, ત્યારે એ વિચાર યોગ્ય છે કે અયોગ્ય એનો ખ્યાલ તો અવલોકન કરવાથી જ આવે. આમ કરવાથી વ્યક્તિ થોડા સમયમાં જ એના મનની નકારાત્મકતાને પામી જશે. એ જોશે કે સિદ્ધાંતને નામે એ નકારાત્મકતાને પુરસ્કારતો તો નથી ને ! એ હકીકત છે કે માણસે સિદ્ધાંતમાં દૃઢ રહેવું જોઈએ અને વ્યવહારમાં સમાધાન રાખવું જોઈએ. પણ આજે તો અવળી ગંગા વહે છે, સિદ્ધાંતમાં બાંધછોડ થાય છે અને વ્યવહારમાં જડતા કે રૂક્ષતા જોવા મળે છે.
કુમારપાળ દેસાઈ