આપણી ચોપાસ આવેલી રમણીય પ્રકૃતિને નિરાંતની આંખે નિહાળીએ છીએ ખરા ? વર્તમાન યુગે મનુષ્યજીવનમાં આનંદ આપતી બે મહાન બાબતો ગુમાવી છે અને તે છે એકાંત અને પ્રકૃતિ. ટૅક્નોલૉજીએ એના એકાંતને હણી લીધું છે અને માણસની આંધળી દોટ અને શહેરીકરણે એના પ્રકૃતિના આનંદ પર કુઠારાઘાત કર્યો છે. ધીરે ધીરે કલ્પના કરવી પણ મુશ્કેલ થશે કે એક સમયે વિલિયમ વર્ડ્ઝવર્થ, કવિ કલાપી કે નરસિંહરાવ દિવેટિયા જેવા સમર્થ કવિઓ આ પ્રકૃતિમાંથી અખૂટ પ્રેરણા પામતા હતા. પ્રકૃતિનો સૌથી મોટો ઉત્સવ રંગબેરંગી હરિયાળાં પુષ્પોમાં જોઈ શકાય અને હાર્વર્ડ યુનિવર્સિટીએ ફૂલોના સંદર્ભમાં કરેલા સંશોધનને અંતે નોંધ્યું કે જો વહેલી સવારે વિદ્યાર્થીઓને ફૂલોનો સાથ અને સહવાસ મળે, તો એમની અધ્યયનક્ષમતા અને ગ્રહણશીલતા પચીસ ટકા વધી જાય છે.
હવે જ્યારે ચોપાસ સિમેંટ-કૉંક્રિટનાં જંગલો ઊભાં થતા હોય, ત્યારે ફૂલોની આ શક્તિનો કોણ વિચાર કરશે ? એના ચિત્તપ્રભાવનો ક્યાંથી ખ્યાલ આવે ? બાકી મધ્યયુગમાં તો માળીઓ એમ માનતા હતા કે ફૂલોની મહેકના રૂપે ઈશ્વરનો શ્વાસ ધરતી પર વિચરણ કરે છે.
શિશુઓ જ્યારે ચિત્ર દોરવાનો પ્રારંભ કરે છે, ત્યારે એને પહેલું આકર્ષણ ફૂલ અને પશુપંખીઓનું હોય છે. એની આડીઅવળી રેખામાં પણ ફૂલોનો આકાર પ્રગટ થતો હોય છે. આ ફૂલ પાસેથી આપણે પ્રસન્નતા પામી શકીએ, ઉત્સાહ અનુભવી શકીએ અને આપણામાં શક્તિનો સંચાર લાવી શકીએ. વળી આ ફૂલોની મહેંક આપણને દર્શાવે છે કે જીવનનો અર્થ છે બીજાને સુવાસ આપીને અન્યના ચહેરા પર આનંદની લકીરો ઉપસાવવી.
કુમારપાળ દેસાઈ