અમેરિકામાં ભારતીય સંસ્કૃતિનું મહિમાગાન કરનાર સ્વામી વિવેકાનંદ અમેરિકાની યુનિવર્સિટીમાં ‘ભારતીય સંસ્કૃતિ અને એનું આધ્યાત્મિક રહસ્ય’, એ વિષય પર વક્તવ્ય આપતા હતા. એમની પ્રભાવક વાણી સાંભળવા માટે વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને જુદા જુદા વિષયના વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા. તેઓ એકાગ્રતાથી સ્વામીજીનું વક્તવ્ય સાંભળતા હતા.
એ સમયે સ્વામી વિવેકાનંદે કહ્યું કે ભારતીય સંસ્કૃતિ અને ધર્મનાં બધાં જ તત્ત્વોનું વૈજ્ઞાનિક મહત્ત્વ છે, એટલે કે આ સંસ્કૃતિ અને એનું અધ્યાત્મ વિજ્ઞાન સાથે જોડાયેલાં છે.
સ્વામી વિવેકાનંદની વાત સાંભળતાં જ સભાખંડમાં ઉપસ્થિત એક અમેરિકને અધવચ્ચે જ પૂછ્યું,
‘તમારી સંસ્કૃતિ મહાન કઈ રીતે ? તમારે ત્યાં તો દેવી લક્ષ્મીનું વાહન ઘુવડ છે, જે દિવસે જોઈ પણ શકતું નથી. તમે જ જુઓ છો કે આપણા જીવનમાં લક્ષ્મીનો કેટલો બધો મહિમા છે ! એના વિના કોઈને ચાલે નહીં. તેનું વાહન આવું તે હોય ? હવે તમે જ કહો કે ઘુવડને દેવી લક્ષ્મીનું વાહન કહેવા પાછળ ક્યો વૈજ્ઞાનિક તર્ક છે ?’
સ્વામી વિવેકાનંદે શાંતિથી એમનો તર્ક સાંભળ્યા પછી ઉત્તર આપ્યો, ‘પશ્ચિમી દેશોની માફક ભારત ધનને સર્વસ્વ માનતું નથી, આથી અમારા ઋષિમુનિઓએ ચેતવણી આપી છે કે લક્ષ્મી રૂપી ધન અસીમિત માત્રામાં વ્યક્તિ પાસે આવે તો, એ ધનવાન પાસે આંખ હોવા છતાં એ ઘુવડની માફક અંધ થઈ જાય છે. આ અર્થ પ્રગટ કરવા માટે લક્ષ્મીના વાહન તરીકે ઘુવડને બતાવવામાં આવ્યું છે.’
સ્વામી વિવેકાનંદનો ઉત્તર સાંભળીને સભાજનોએ ઉત્સાહપૂર્વક તાળીઓ પાડી.
સ્વામીજીએ ફરી કહ્યું, ‘સરસ્વતી જ્ઞાન અને વિજ્ઞાનનું પ્રતીક છે. એ માનવીમાં વિવેક જાગ્રત કરનારી દેવી છે, એથી સરસ્વતીનું વાહન હંસ છે, જે નીરક્ષીરવિવેકનું પ્રતીક છે. આના પરથી સમજાશે કે સંસ્કૃતિ અને ધર્મનાં સઘળાં તત્ત્વોની પાછળ વૈજ્ઞાનિક તર્ક રહેલો છે.’
સ્વામી વિવેકાનંદે આપેલા આ ઉત્તરે શંકાશીલ અમેરિકનોની શંકાઓ દૂર કરી અને એમને ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ધર્મોની મહત્તાનો પરિચય આપ્યો.