પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના અંગ્રેજ ન્યાયાધીશ મિસ્ટર કિલીને ત્યાં કામ કરતો ભારતીય નોકર એક વાર બજારમાંથી સામાન લઈને પાછો ફરતો હતો. આ સમયે ન્યાયાધીશના બંગલાની બહાર એક પાગલ કૂતરાએ એને બચકું ભર્યું. નોકર જોરજોરથી રડવા લાગ્યો. એનો રડવાનો અવાજ સાંભળીને ન્યાયાધીશ બહાર આવ્યા અને એમણે જાણ્યું કે એક પાગલ કૂતરાએ એને બચકું ભર્યું છે.
ન્યાયાધીશે દોડીને કૂતરાએ જ્યાં બચકું ભર્યું હતું, ત્યાં પોતાના મુખથી એનું બધું ઝેરી લોહી ચૂસી ચૂસીને બહાર કાઢી નાખ્યું. એ પછી એના પર મલમ લગાડીને પાટો બાંધીને એને એક અંગ્રેજ ડૉક્ટર પાસે લઈ ગયા.
અંગ્રેજ ડૉક્ટરે આખી ઘટના સાંભળી, ત્યારે એમણે અકળાઈને કહ્યું, ‘અરે, તમે તો કેવી મૂર્ખાઈ કરી ? તમને ખ્યાલ છે કે આવું કરવાથી તમે તમારો પ્રાણ પણ ગુમાવ્યો હોત. તમે અંગ્રેજ થઈને એક સામાન્ય હિંદુસ્તાની નોકરને માટે તમારા જાનની બાજી લગાવી ?’
ન્યાયાધીશે કહ્યું, ‘ડૉક્ટરસાહેબ, આ અમારો નોકર ભલે રહ્યો, પરંતુ એનામાં મારા અને તમારા કરતાં વિશેષ માનવતા છે. એ પોતાની માનવતાની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી શકે તેવો છે.’
ન્યાયાધીશની વાત ડૉક્ટરને સમજાઈ નહીં એટલે એમણે પૂછ્યું, ‘તમારી કોઈ વાત મને સમજાતી નથી.’
ન્યાયાધીશે કહ્યું, ‘એક વાર એની સાથે હું દૂરના પ્રદેશમાં પ્રવાસે ગયો હતો. નિર્જન રસ્તા પર કેટલાક બદમાશોએ મારી હત્યા કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે આ નોકરે પોતાના પ્રાણની પણ પરવા કર્યા વિના એ બદમાશોના હાથમાં રહેલું ખંજર છીનવી લીધું હતું. આમ કરતાં એને ઘણો ઊંડો જખમ થયો હતો.
મારા પર હુમલો કરવા આવેલ એને કહેતા હતા કે તું ભાગી જા, તને અમે કશું કરીશું નહીં. તારી સાથે અમારે કોઈ અદાવત નથી. ત્યારે આ નોકરે એમ કહ્યું હતું કે માલિકને છોડીને હું ક્યાંય જઈ શકું નહીં. હવે તમે જ કહો કે એના પ્રત્યે મારું શું કર્તવ્ય છે. જો મેં એની ઉપેક્ષા સેવી હોત, તો માનવતા કલંકિત થઈ જાત.’
ન્યાયાધીશની વાત સાંભળીને ડૉક્ટરનું મસ્તક ઝૂકી ગયું.