ઈરાનના દરિયાદિલ અને દાનેશ્વરી એવા શહેનશાહના મહેલમાં ફકીર આવ્યો અને એના દિલમાં એવો ભાવ હતો કે શહેનશાહ પાસેથી દાન-ખૈરાત મેળવું.
આમ તો ખુદાની રાહમાં નીકળેલો ફકીર સદાય મોજ-મસ્તીમાં રહેતો હતો અને ખુદાપરસ્તી સાથે જીવતો હતો. એણે ઈરાનના શહેનશાહને સંદેશો મોકલ્યો અને કહ્યું કે આ ખુદાનો બંદો તમારા જેવા નેક શહેનશાહને મળવા માટે અતિ આતુર છે.
ઈરાનના શહેનશાહે પોતાના સેવકોને કહ્યું કે હું જરા ખુદાની બંદગી કરીને આવું છું, ત્યાં સુધી તમે આ નેક ફકીરને બેસાડો, એની ઉચિત ખાતરદારી કરો.
મહેલના દીવાનખંડમાં બેઠેલો ફકીર શહેનશાહની રાહ જોવા લાગ્યો. એવામાં એના દિલમાંથી અવાજ આવ્યો કે શહેનશાહ ખુદ ખુદાની બંદગી કરીને એની પાસે માગે છે અને પોતે ? અને પોતે કયા મક્સદથી શહેનશાહ પાસે આવ્યો છે ?
નેક ફકીર ઊંડા વિચારમાં ડૂબી ગયો. એના ચિત્તમાં નવું અજવાળું પથરાયું. એવામાં ઈરાનના શહેનશાહ આ ખુદાપરસ્ત ફકીરની પાસે આવ્યા અને એમને ઇંતેજાર કરવો પડ્યો તે માટે ક્ષમા- યાચના કરી. સાથોસાથ પોતાના રાજસેવકને ઇશારો કર્યો અને કહ્યું કે આ ફકીરને દાન રૂપે આપવા માટે સોનામહોરો લઈ આવ.
રાજસેવક તત્કાળ સોનામહોર લઈને હાજર થયો અને શહેનશાહે ફકીરને ખેરાત રૂપે આ સોનામહોરનો સ્વીકાર કરવા માટે અરજ કરી. ફકીરે શહેનશાહની અરજનો ઇન્કાર કર્યો અને કહ્યું, ‘શહેનશાહ, આવ્યો હતો ત્યારે મારા દિલમાં કશુંક મેળવવાનો વિચાર હતો, પણ હવે મને બધું મળી ગયું છે.’
શહેનશાહે ઊંડા આશ્ચર્ય સાથે કહ્યું, ‘અરે, આ સુવર્ણમુદ્રાઓ લેવાનો તમે સાફ ઇન્કાર કરો છો અને પાછા કહો છો કે મને બધું મળી ગયું છે ?’
ફકીરે કહ્યું, ‘હા, મને બધું મળી ગયું છે. તમે જે ખુદા પાસેથી પામીને ખેરાત કરો છો, તો પછી હું જ એની પાસેથી સીધેસીધું માગી ન લઉં ! આમાં મારે તમારી દલાલીની જરૂ૨ નથી. જેની પાસેથી તમે પામો છો, એની પાસેથી હું પામીશ, બરાબર ને !’
ખુદાપરસ્ત ફકીરની વાત સાંભળતાં જ શહેનશાહ એના પર અતિ પ્રસન્ન થયા અને કહ્યું, ‘વાહ રે ફકીર, ધન્ય છે તારી ખુદાપરસ્તીને ! સહુ કોઈ ખુદા પાસેથી જ માગે તો એને ખુદાના બંદાની દલાલીની જરૂર નહીં રહે. ખુદા સાથે બધા લોકો ખુદનો નાતો જોડે તો કેવું સારું ?’