વિહાર કરતાં જઈ રહેલા ભગવાન બુદ્ધની નજર તળાવના કિનારે પાણીમાં જાળ બિછાવીને બેઠેલા માછીમાર પર પડી. ભગવાન બુદ્ધે જોયું કે જાળમાં માછલી ફસાય એટલે માછીમાર એને ખેંચી લેતો હતો અને પાણી વિના તરફડતી માછલીઓ મૃત્યુ પામતી હતી.
આ જોઈને ભગવાન બુદ્ધનું હૃદય દ્રવી ગયું અને માછીમાર પાસે જઈને બોલ્યા, ‘અરે ભાઈ, તું શા માટે આ નિર્દોષ માછલીઓને જાળથી પકડે છે ?’
માછીમારને આ પ્રશ્ન અત્યંત વિચિત્ર લાગ્યો. એણે જરા બેફિકરાઈથી ઉત્તર આપ્યો, ‘આજીવિકા માટે ! આ માછલીઓને હું બજારમાં જઈને વેચું છું અને સારું એવું ધન મેળવું છું.’
‘જો હું તને ધન આપું, તો તું આ માછલીઓને છોડી દઈશ ?’
માછીમાર તો ખુશ થઈ ગયો અને એણે ભગવાન બુદ્ધ પાસેથી એ માછલીઓની કિંમત લઈને એમને સોંપી દીધી. ભગવાન બુદ્ધે એ તરફડતી માછલીઓને ફરી તળાવનાં જળમાં વહાવી દીધી. માછીમારને તો પારાવાર આશ્ચર્ય થયું. એણે પૂછ્યું, ‘તમે મારી પાસેથી આ માછલીઓ ખરીદી અને એ તરફડતી માછલીઓને ફરી શા માટે તળાવના પાણીમાં પાછી નાખી દીધી ?’
ભગવાન બુદ્ધે કહ્યું, ‘હું વિચારતો હતો કે પાણી વિના માછલી જેમ તરફડે છે, તેમ તમે તરફડો તો શું થાય ? કોઈ તમારું ગળું દાબી દે તો તમને કેવું લાગે ? બસ, આ વિચાર કરતાં જ મને થયું કે આ માછલીઓનું ગળું દાબવાનો અધિકાર આપણો છે ખરો? જેને જીવન આપી શકતા નથી, એનું જીવન છીનવી લેવાનો આપણને હક્ક છે ખરો ? તમે મરેલી માછલીને જિવાડી શકો ખરા ?’
માછીમાર વિચારમાં પડી ગયો, ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું, ‘જેમ માનવીને હવા અને પાણી મળે નહીં અને એ તરફડી-તરફડીને મૃત્યુ પામે એમ માછલી પણ શ્વાસ લે છે. પાણી એ એનું જીવન અને જગત છે. એમાંથી એને બહાર કાઢીને તડપતી જોઈને તારા કઠોર હૃદયને કશું થતું નથી ?’
ભગવાન બુદ્ધની આ વાત સાંભળીને માછીમાર વિચારમાં પડી ગયો અને થોડી વારે બોલ્યો, આજ સુધી હું એમ માનતો હતો કે હું ઉચિત કાર્ય કરું છું, પણ આજે તમે મારી આંખો ખોલી નાખી. આજીવિકા મેળવવાના બીજાય માર્ગો છે. હું સુંદર ચિત્રો દોરી શકું છું અને તેથી હવે ચિત્રકાર બનીને મારી આજીવિકા મેળવીશ.’
આટલું કહીને એ માછીમાર ચાલ્યો ગયો અને થોડા સમયમાં એ પ્રસિદ્ધ ચિત્રકાર બની ગયો.