આકાશમાં વાદળો ઘેરાતાં હતાં, પરંતુ વરસાદ વરસતો નહોતો. ચોતરફ દુષ્કાળના ઓળા પથરાયેલા હતા. લોકોને પેટ પૂરતું અન્ન મળતું નહીં અને પશુઓ પણ ઘાસચારાના અભાવે કરુણ રીતે મૃત્યુ પામતાં હતાં. આવે સમયે ગંગાકિનારે આવેલા આશ્રમમાં ઋષિ અભેન્દ્રએ પોતાના ત્રણે શિષ્યોને બોલાવ્યા અને કહ્યું, ‘તમે જાણો છો કે દુષ્કાળને કારણે લોકો ત્રાહિમામ્ ત્રાહિમામ્ પોકારે છે. બાપ દીકરાને વેચે છે અને મુઠ્ઠીભર અનાજને માટે વલખાં મારતી સ્ત્રીઓ શીલરક્ષા કરી શકતી નથી. આવા કપરા કાળમાં મારે તમને એક કાર્ય સોંપવું છે.’
ત્રણે શિષ્યોએ કહ્યું, ‘ગુરુદેવ, આપ જે કોઈ કાર્ય સોંપશો, તે અમે પૂરી જવાબદારીથી બજાવીશું. આપના નામને ઊજળું કરીશું.’
ઋષિ અભેન્દ્રએ કહ્યું, ‘મારી ઇચ્છા છે કે તમે ત્રણેય જુદા જુદા જિલ્લામાં જાઓ અને એ જિલ્લામાં જઈને ભૂખ્યાંઓને ભોજન કરાવો. ભૂખ્યાને ભોજન આપવા જેવું બીજું એકેય ધર્મકાર્ય કે પુણ્યકાર્ય નથી.’
ત્રણે શિષ્યો આશ્ચર્યમાં ડૂબી ગયા અને વિચારવા લાગ્યા કે ચોતરફ દુષ્કાળ છે. અનાજના એક-એક કણ માટે લોકો વલખાં મારે છે, એવે સમયે તમામ લોકોને ભોજન કરાવવું કઈ રીતે ? ન તો આપણી પાસે અન્નભંડાર છે કે ન તો ધનભંડાર છે. કરવું શું ?
ગુરુએ શિષ્યોને કહ્યું, ‘હું તમને એક ચમત્કારિક થાળી આપું છું. એમાં તમે જેટલું ભોજન માગશો, એટલું ભોજન મળશે. તમને ભોજનનો કોઈ તોટો નહીં પડે.’
ગુરુએ ત્રણે શિષ્યોને એક એક થાળી આપી અને ભૂખ્યાને ભોજન આપવા માટે એ ત્રણેય શિષ્યો આશ્રમમાંથી નીકળ્યા. બે શિષ્યો એક મોટા નગરમાં આવ્યા. એમણે જાહેરાત કરી કે જેઓ એમની પાસે આવશે, એમને ભોજન આપવામાં આવશે. દુષ્કાળના કાળમાં એમણે સદાવ્રત ખોલ્યું છે.
દૂરદૂરથી લોકો ભોજન લેવા માટે આવવા લાગ્યા. જે કોઈ આવે એને આ બે શિષ્યો ભરપેટ ભોજન કરાવતા હતા, પરંતુ ત્રીજા શિષ્યએ નગરમાં કોઈ એક સ્થળે રહેવાને બદલે ઠેર ઠેર ભ્રમણ કર્યું અને ભૂખ્યાંઓને ભોજન આપવા લાગ્યો.
થોડા દિવસ પછી શિષ્યો આ કાર્ય કરીને આશ્રમમાં પાછા આવ્યા ત્યારે ઋષિ અભેન્દ્રએ એમને એમના અનુભવો પૂછ્યા. આ સાંભળી એમણે ત્રીજા શિષ્યને શાબાશી આપી. એમણે કહ્યું કે ગુરુની ભાવનાને એણે પૂર્ણ રૂપે સાર્થક કરી છે. ગુરુનાં વચનોનું સર્વથા પાલન કર્યું છે.
ગુરુનો આવો પક્ષપાત જોઈને બે શિષ્યોને માઠું લાગ્યું. એમાંના એકે તો અકળાઈને કહ્યું પણ ખરું,
‘ગુરુદેવ, દુષ્કાળગ્રસ્તોની તો અમે પણ સહાયતા કરી છે, પરંતુ તમે શા માટે આ ત્રીજા શિષ્યની અધિક પ્રશંસા કરો છો ?’ ગુરુએ કહ્યું, ‘તમે મહાનગરના એક સમૃદ્ધ સ્થળે બેસીને સદાવ્રત ખોલ્યું, પરંતુ તમે એ વિચાર કર્યો નહીં કે બાળકો, ગરીબો, વૃદ્ધો, વિકલાંગો – એ બધા છેક તમારી પાસે આવીને યાચના કરે તેવું બને નહીં. આ દુષ્કાળ સમયે ભોજનની સૌથી વધુ જરૂર એમને જ હોય છે. આ ત્રીજા શિષ્યએ ઠેર ઠેર ફરીને આવા જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવ્યું, તેથી એની મદદ ઘણાને જીવનદાન આપનારી બની. છેક છેવાડાના માનવી સુધી સાચી જરૂરિયાતવાળાઓને ભોજન પહોંચાડ્યું, એ કારણે ત્રીજો શિષ્ય વિશેષ ધન્યવાદને પાત્ર છે.’