ગામના ચોરા પર બેઠેલા ફકીરની પાસે આવીને એક નવયુવાને કહ્યું, ‘મેં ચોતરફ આપની નામના સાંભળી છે, લોકો આપની ફકીરી આગળ શિર ઝુકાવે છે. મારી ઇચ્છા છે કે હું આપનો શાગિર્દ બનું.’
ફકીરે હસીને કહ્યું, ‘ઓહ ! તું મારો શાગિર્દ બનવા માગે છે ? હા, તને બનાવું ખરો, પરંતુ માત્ર એક દિવસ માટે.’
યુવકે ફકીરની વાતનો સ્વીકાર કર્યો એટલે ફકીરે કહ્યું, ‘તમે મારી બાજુમાં બેસી જાવ અને લોકોની વાતો સાંભળો.’
ફકીરની પાસે અનેક પ્રકારના લોકો આવતા હતા અને જાતજાતના સવાલો પૂછતા હતા. કોઈ પોતાની ઇચ્છા સંતોષવા કહેતા હતા, તો કોઈ દુશ્મનનું અહિત કરવા માટે મદદ માગતા હતા. ફકીર તો કશોય ઉત્તર આપવાને બદલે હાથ ઊંચો કરીને આશીર્વાદ આપતા હતા.
આમ ને આમ સાંજ પડી ગઈ. ધરતી પર અંધારું ઊતરવા લાગ્યું. એવામાં એક વૃદ્ધ વ્યક્તિ માથા પર સામાન મૂકીને પસાર થતો હતો. એણે આ ફકીરને કોઈનું સરનામું પૂછ્યું. ફકીરે એ વૃદ્ધને સામાન નીચે ઉતારીને આરામ કરવા કહ્યું. ભોજન આપ્યું અને પછી એનો સામાન પોતાના શિર પર ઉઠાવીને એને જ્યાં જવું હતું, ત્યાં પહોંચાડી આવ્યા.
આશ્ચર્ય પામેલા યુવકે ફકીરને પ્રશ્ન કર્યો, ‘શું આ કોઈ મહાન ફકીર હતા કે જેમને તમે આટલી બધી મદદ કરી ? એમનો સામાન માથે ઉપાડીને એમને જ્યાં જવું હતું ત્યાં મૂકી આવ્યા ?’
ફકીરે કહ્યું, ‘અરે, હું તો એમને જાણતો પણ નથી, પરંતુ આખો દિવસ જે લોકો મારી પાસે આવ્યા એમાં ખરેખર કોઈ જરૂરિયાતમંદ માનવી હોય તો તે આ એક વૃદ્ધ હતો. બાકીના લોકો તો પોતાની સ્વાર્થસાધના માટે આવ્યા હતા. એમનો સ્વાર્થ સધાય, એવા પ્રશ્નો જ પૂછતા હતા. એ માત્ર એમના અંગત લાભ વિશે વિચારતા હતા, દુનિયા વિશે નહીં. જ્યારે આ એક વૃદ્ધ જ સાચા અર્થમાં જરૂરતમંદ હતા. ફકીરનું કામ તો આવા જરૂરતમંદોને મદદ કરવાનું છે, સ્વાર્થ પરસ્તોને નહીં.’