અતિ આળસ ધરાવતા મોહનલાલને કોઈ પણ કામ કરવું પડે, તો એના માથે આકાશ તૂટી પડતું. મહેનત સાથે એને કોઈ મેળ નહોતો અને પુરુષાર્થ સાથે બારમો ચંદ્રમા હતો. આળસુ મોહનલાલ ધીરે ધીરે ચોરીના રવાડે ચડી ગયો. એની પત્ની સુશીલાએ પતિનાં કારસ્તાનો જાણ્યાં, તેથી એને ભારે દુઃખ અને આઘાત લાગ્યા. હવે કરવું શું ?
એ જાણતી હતી કે કામવિહોણો માણસ એક વાર ચોરીના કુછંદે ચડી જાય છે, પછી એમાંથી બહાર નીકળી શકતો નથી. એ સમયે ગામમાં એક સંત આવ્યા અને એની પાસે જઈને કોઈ રસ્તો સુઝાડવા માટે વિનંતી કરી.
સંતે કહ્યું, ‘તમે ચિંતા કરશો નહીં, મારી યુક્તિ બરાબર અજમાવજો એટલે તમારું દુ:ખ ચાલી જશે.’
સંતે સુશીલાને એક એવો મંત્ર આપ્યો કે જે મંત્ર કોઈ ચીજવસ્તુ પર હાથ મૂકીને બોલે એટલે એ ચીજવસ્તુ અદૃશ્ય થઈ જાય.
મોહનલાલે એક મોટી ધાડ પાડી હતી અને એ ધાડ-લૂંટમાં કીમતી ઝવેરાત મેળવ્યું હતું. સુશીલા એ ઝવેરાત પાસે ઊભી રહી અને મંત્ર બોલી, તો થોડી વારમાં તો દીવાનખંડમાંથી એ કીમતી વસ્તુ ગાયબ થઈ ગઈ.
મોહનલાલે પાછા જઈને જોયું તો ચોરીનો કોઈ માલ મળે નહીં. પેલી ઝવેરાતની પોટલી ક્યાંયથી જડે નહીં. એ ચોધાર આંસુએ રડવા લાગ્યા, ત્યારે એમની પત્ની સુશીલાએ કહ્યું, ‘રડો છો શા માટે ? એવું તે શું બન્યું છે ?’
મોહનલાલે આખી વાત કરી, ત્યારે સુશીલાએ કહ્યું, ‘તમે જે ચોરી કરી તે વસ્તુઓ તો એના માલિકે ઘણી કાળી મજૂરી કરીને મેળવી હશે. એની પાછળ એના ઘરના સભ્યોએ પણ પરિશ્રમ કરીને ભોગ આપ્યો હશે. તમે તો માત્ર સામાન્ય ચોરી કરીને એ બધું મેળવ્યું, પરંતુ પરિશ્રમથી એ મેળવનાર વિશે વિચાર કર્યો ખરો ? જરા વિચારો કે જેમ તમે બીજાએ પરિશ્રમ દ્વારા અર્જિત કરેલી વસ્તુઓ તમારી પાસેથી ચોરાઈ જાય તો તમને આટલું બધું દુઃખ થાય છે, તો જેણે પરિશ્રમ કરીને આ ચીજવસ્તુઓ મેળવી હશે એનું શું થતું હશે ? કોઈના મનને દુઃખી કરીને તમે ક્યારેય સુખી નહીં થાવ. પોતાના પસીનાની કમાઈનો મોટો મહિમા છે. એનો આનંદ અને મસ્તી પણ જુદાં હોય છે.’
આ વાતની મોહન પર ઊંડી અસર થઈ અને એ ચોરી છોડીને મહેનત કરવા લાગ્યો.