દીનાર છોડી શકું, ઈમાનદારી નહીં !

સાઉદી અરેબિયાના પ્રખર જ્ઞાની બુખારી વિદ્વત્તા અને પ્રમાણિકતાનો માપદંડ ગણાતા હતા. એક વાર એ લાંબી દરિયાઈ સફર માટે નીકળ્યા, ત્યારે સફરના ખર્ચ માટે કોથળીમાં એક હજાર દીનાર સાથે લીધા.

યાત્રાના સમયે પ્રવાસીઓ સાથે એમની જ્ઞાનવાર્તા ચાલી. એમાંય સઘળા મુસાફરોમાં એક મુસાફર સાથે વધુ નિકટતા સધાઈ. એક દિવસ વાતવાતમાં બુખારીએ એને પોતાની પાસેની એક હજા૨ દીનારની કોથળીની વાત કરી. પેલા મુસાફરને લાલચ જાગી. એણે એક હજાર દીનારની કોથળી મેળવવા પેંતરો રચ્યો.

એક દિવસે વહેલી સવારે આ મુસાફર જોરજોરથી બૂમો પાડવા લાગ્યો અને આંખમાં આંસુ સાથે હીબકાં ભરતાં કહેવા લાગ્યો, ‘હાય રે હાય, હું તો લૂંટાઈ ગયો. મારી એક હજાર દીનારની કોથળી કોઈ ચોરી ગયું, હવે મારું થશે શું ? આ ભોજન અને પ્રવાસનો ખર્ચ કાઢીશ કઈ રીતે ?’

જહાજના કપ્તાન આવ્યા. બીજા કર્મચારીઓ પણ એકત્રિત થયા અને એમણે કહ્યું, ‘રડવાનું રહેવા દો, આ કોથળી જહાજમાં જ હશે. જેણે એની ચોરી કરી હશે, તે પણ આપણી સાથે જ હશે ! પ્રત્યેક મુસાફરની તલાશી લઈએ, જેથી ચોર પકડાઈ જશે.’

મુસાફરોની તપાસ ક૨વાનું શરૂ થયું. વિદ્વાન બુખારી પાસે આવ્યા, ત્યારે જહાજના કપ્તાન, કર્મચારી અને બીજા મુસાફરોએ કહ્યું, ‘આપની તે કંઈ તલાશી લેવાની હોય ! તમારા પર શક કરવો એ તો ગુનો કહેવાય!’

આ સાંભળી બુખારીએ કહ્યું, મારી પણ તલાશી લો, નહીં તો જેના દીનારની ચોરી થઈ છે, એના દિલમાં શંકા રહી જશે.’

બુખારીના માલસામાનની તપાસ કરવામાં આવી, પણ ક્યાંયથી દિનારની કોઈ કોથળી મળી નહીં. થોડા સમય પછી પેલો મુસાફર બુખારી પાસે પાછો આવ્યો અને પૂછ્યું, ‘તમારી પાસે તો એક હજાર દીનારની કોથળી હતી. એ તપાસ કરતી વખતે મળી નહીં, તો એ ગઈ ક્યાં ?’

બુખારીએ હસીને કહ્યું, ‘એને તો મેં સમુદ્રમાં ફેંકી દીધી છે.’

‘એવું કેમ કર્યું ?’

બુખારીએ કહ્યું, ‘કારણ એ કે મારા જીવનમાં મેં બે જ ધન મેળવ્યાં છે. એક છે મારી ઈમાનદારી અને બીજું છે લોકોનો વિશ્વાસ. જો મારી પાસેથી દીનાર મળ્યા હોત અને મેં લોકોને એમ કહ્યું હોત કે આ તો મારા દીનાર છે, તો લોકો તો મારી વાતનો ભરોસો કરી લેત, પરંતુ મારી ઈમાનદારી અને સચ્ચાઈ ૫૨ થોડો શંકાનો ડાઘ તો રહી જાત. હું દિનાર છોડી શકું છું, પરંતુ મારી ઈમાનદારી અને સચ્ચાઈ છોડી શકતો નથી, આથી એ કોથળી મેં સમુદ્રમાં ફેંકી દીધી.’

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑