નકામી વસ્તુઓથી મારું ઘર ભરાઈ જશે !

ભક્તકવિ કુંભનદાસની પ્રભુભક્તિની રચનાઓ સાંભળીને સ્વયં રાજા માનસિંહને એમનાં દર્શન કરવાની તાલાવેલી જાગી. ભક્તનાં દર્શન રાજવી તરીકે કરવાને બદલે અજાણ્યા માનવી તરીકે કરવાનો વિચાર કર્યો, આથી રાજા માનસિંહ વેશપલટો કરીને આ ભક્તકવિના ગામમાં અને તેય એમના ઘરમાં પહોંચી ગયા. આ સમયે કુંભનદાસ બહાર જવા માટે તૈયાર થતા હતા એટલે એમણે એમની પુત્રીને કહ્યું, ‘બેટા, મારે મસ્તક પર તિલક કરવાનું બાકી છે, માટે તું આરસી લાવ.’

પુત્રીએ ઉત્તર આપ્યો, પિતાજી, ઘરમાં જે આરસી હતી, એ તો બિલાડીએ ફોડી નાખી છે અને બીજી આરસી ખરીદી શકાય એવી સગવડ નથી.’

‘એની કોઈ ચિંતા નહીં. એક કામ કર. એક પાત્રમાં જળ ભરીને લાવ એટલે જળમાં પડેલી છાયા જોઈને હું તિલક કરી લઈશ.’

કુંભનદાસની પુત્રી એક તૂટેલા પાત્રમાં જળ લાવી અને કવિ કુંભનદાસે જળમાં મુખનું પ્રતિબિંબ જોઈને મસ્તક પર તિલક કર્યું. કુંભનદાસ આનંદભેર પોતાની પદરચના ગાઈ રહ્યા હતા. ઘરમાં અરીસો નહીં હોવાનો એમને કોઈ અફસોસ નહોતો. બહારની ઘટના એમના મનને અસ્પર્શ્ય હોય એમ લાગતું હતું. કવિની ભક્તિ અને મસ્તી જોઈને રાજા માનસિંહે વિચાર્યું કે પોતાની પાસે અઢળક સંપત્તિ છે, વિશાળ રાજ્ય છે, સઘળી સુવિધા છે, પાણી માગે ત્યાં દૂધ મળે છે. એમ છતાં મનમાં સતત અસંતોષ પ્રજ્વળ્યા કરે છે, જ્યારે આ મહાન કવિ પાસે તિલક કરવા માટે આરસી નથી, છતાં એનો એમને લેશમાત્ર અફસોસ નથી, બલ્કે જીવનનો આનંદ જ છલકાય છે.

રાજા માનસિંહ બીજે દિવસે કુંભનદાસને મળવા આવ્યા, ત્યારે પોતાની સાથે સોને મઢેલી આરસી અને એક હજાર સોનામહોરોની થેલી લઈને આવ્યા હતા. વળી રાજા માનસિંહે ગઈકાલે જોયેલી ઘટનાની વાત કરીને કવિ કુંભનદાસને કહ્યું, ‘આપના ઘરમાં અરીસો પણ ન હોય, તે કેવું કહેવાય ?’

કુંભનદાસે કહ્યું, ‘અરીસો હોય કે ન હોય, તેથી કોઈ ફેર પડતો નથી. મારે કામ તો તિલક કરવાનું છે અને તે આ જલપાત્રથી નિરાંતે થાય છે.’

‘પણ હવે આપને આવા જલપાત્રની જરૂ૨ નહીં રહે. આ સુવર્ણમંડિત આરસી તમને ભેટ આપું છું અને સાથે ખર્ચ કરવા માટે એક હજાર સોનામહોરોની થેલી આપું છું.’

કુંભનદાસે નમ્રતાથી કહ્યું, ‘મહારાજ, મારા પર એક કૃપા કરશો ?’

‘આપના પર કૃપા ? હું કઈ રીતે કરી શકું ? મારે આપની કૃપાની જરૂ૨ છે.’ રાજા માનસિંહે કહ્યું. ‘ના, હવે એટલી કૃપા કરજો કે મારે ઘેર આવો ત્યારે આવી બધી નકામી અને બિનજરૂરી વસ્તુઓ લઈને આવશો નહીં, નહીં તો આવી નકામી વસ્તુઓથી જ મારું ઘર ભરાઈ જશે.’

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑