કાંટાળા છોડને મૂળમાંથી ખોદી નાખો !

‘કૌટિલીય અર્થશાસ્ત્ર’ના રચયિતા અને તક્ષશિલા વિદ્યાપીઠના ઉત્તમ આચાર્ય તરીકે પ્રસિદ્ધ એવા કૌટિલ્યનો સમય ભારતવર્ષને માટે રાજકીય ઊથલપાથલનો સમય હતો. દેશને માથે પરદેશી આક્રમણનો ભય હોવાથી જનસામાન્યને જાગૃત કરવાની અને દેશભક્તોનું સંગઠન સાધવાની પરમ આવશ્યકતા હતી. કૌટિલ્યએ મગધના સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના નેતૃત્વ હેઠળ આ અભિયાનનો આરંભ કર્યો અને કૌટિલ્યના ચાતુર્યથી નાનાં રાજ્યો અને ગણરાજ્યો પર વિજય મેળવીને મગધના એક વિસ્તૃત બળવાન સામ્રાજ્યનું નિર્માણ થયું.

એક વાર સમ્રાટ ચંદ્રગુપ્તને મળવા માટે જતાં માર્ગમાં કૌટિલ્યના પગમાં કાંટો ભોંકાયો અને એમણે જોરથી ચીસ પાડી. એમણે જોયું તો ખ્યાલ આવ્યો કે કાંટાવાળા છોડ પર એમનો પગ પડી ગયો હતો. કૌટિલ્યએ શિષ્યોને કુહાડી લઈ આવવાનો આદેશ આપ્યો.

કૌટિલ્યએ કુહાડી હાથમાં લઈને એ કાંટાથી ભરેલા છોડને તો ઉખેડીને ફેંકી દીધો. એ પછી જમીનમાં રહેલા એના મૂળને પણ બહાર કાઢ્યાં અને એને સળગાવી દીધાં. ત્યારબાદ પોતાના શિષ્યો પાસે છાશ મંગાવીને એ જમીન પર છાંટી, જેથી ફરી ક્યારેય આ છોડ ઊગે નહીં અને કોઈ રાહદારીને એના કાંટા ભોંકાય નહીં.

એક કાંટો વાગ્યો એમાં આટલું બધું કરવાનું હોય ! એક શિષ્યએ જિજ્ઞાસાથી પ્રેરાઈને આચાર્યશ્રીને પૂછ્યું, ‘ગુરુજી, તમે કહ્યું હોત તો આ બધું કામ અમે કરી આપત. તમે શા માટે આટલી બધી મહેનત કરી ?’

કૌટિલ્યએ હસતાં હસતાં કહ્યું, ‘તમારે ખાતર. મારે તમને એ શીખવવું હતું, એટલે જ મેં સ્વયં આ કામ કર્યું. મારે દર્શાવવું હતું કે જ્યાં સુધી બૂરાઈને મૂળમાંથી ઉખાડવામાં આવે નહીં, ત્યાં સુધી એ પૂરેપૂરી જતી નથી અને તક મળે એ ફરી કોઈને પણ પોતાની ઝપટમાં લઈ લે છે. આથી માત્ર બૂરાઈને દૂર કરવાથી કામ સરતું નથી, પરંતુ એને મૂળમાંથી કાપવી પડે છે અને એ ફરી ઊગે નહીં તેવું કરવું પડે છે.’

આચાર્ય કૌટિલ્યએ અંતે કહ્યું, ‘જો તમે બૂરાઈની જડને કાપશો, તો તમારું જીવન ખુદ શાંતિમય રહેશે. પણ એ બૂરાઈને એવી રીતે દૂર કરવી કે ફરી જીવનમાં એ પ્રવેશી શકે નહીં.’

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑