દ્વારિકા નગરીમાં રુક્મિણી સાથે શ્રીકૃષ્ણ અંતઃપુરમાં વિશ્રામ કરતા હતા, તે સમયે એકાએક તેઓ ધ્યાનસ્થ થઈ ગયા. એમનાં ચક્ષુ મીંચાઈ ગયાં, શરીર જાણે નિષ્પ્રાણ બની ગયું. આવી ધ્યાનસ્થ સ્થિતિમાં એમણે જોયું કે આંખમાં આંસુ સાથે, પારાવાર વ્યાકુળતાથી, ધ્રૂજતાં ગાત્રોવાળી દ્રૌપદી હસ્તિનાપુરની રાજસભામાં આંસુ સારે છે. રજસ્વલા હોવાથી શણગાર વિનાની એકવસ્ત્રધારી દ્રૌપદીને ઘમંડી દુઃશાસને કહ્યું, ‘તારે જેને રક્ષા માટે બોલાવવા હોય તેને બોલાવ, હું તને ઘસડીને આ રાજસભામાં નિર્વસ્ત્ર કરીશ.’
દ્રૌપદીએ આ કપટસભામાં ભીષ્મ આદિ ધુરંધરોને ચૂપ જોયા. ધર્મરાજને આકરો પ્રશ્ન કર્યો કે જાતને હારી બેઠેલો માનવી એને હોડમાં મૂકી શકે ખરો ? કટુવચનો કહેવા છતાં ધર્મરાજ યુધિષ્ઠિર મૌન રહ્યા. ભીમને અંતરની આગ હૈયામાં જ ઠારવી પડી.
દુઃશાસન દ્રૌપદીનું વસ્ત્ર ખેંચતો હતો, ત્યારે દ્રૌપદીએ પોતાની લાજ લૂંટાતી બચાવવા માટે પોતાના ચીરને દાંત વચ્ચે પકડીને શ્રીકૃષ્ણને રક્ષણ માટે પ્રાર્થના કરી. એ સમયે દ્રૌપદી પોતાની જાતને બચાવવા માટે સ્વયં પ્રયાસ કરતી હતી, તેથી શ્રીકૃષ્ણ એની મદદે દોડ્યા નહીં. એને સ્વરક્ષણની મોકળાશ અને અનુકૂળતા આપી.
પરંતુ જ્યારે આ દ્યૂત-સભામાં દુઃશાસન બળપૂર્વક એનું એકમાત્ર વસ્ત્ર ખેંચતો હતો અને એ નિર્વસ્ત્ર થવાની અણી પર આવી, એ સમયે એણે ફરી ‘હૈ વિશ્વાત્મા, હે કૃષ્ણ, મને કૌરવોના આ અત્યાચારમાંથી ઉગારો.’ એવો આર્તપોકાર કર્યો.
આ સમયે શ્રીકૃષ્ણે અંતરીક્ષમાં ઊભા રહી નવસોને નવ્વાણું ચીર પૂર્યાં. અશરણના શરણ એવા ધ્યાનસ્થ શ્રીકૃષ્ણએ ધ્યાન પૂર્ણ થયા બાદ રુક્મિણી તરફ જોયું અને રુક્મિણીએ પૂછ્યું, ‘સ્વામી, કેમ આપ એકાએક ધ્યાનસ્થ બની ગયા હતા ?’
શ્રીકૃષ્ણએ બનેલી ઘટનાનું વર્ણન કર્યું, ત્યારે રુક્મિણીએ સવાલ કર્યો, ‘તમે પહેલી વાર દ્રૌપદીનો આર્તનાદ સાંભળ્યો અને શા માટે એની સહાયમાં દોડી ગયા નહીં અને બીજી વાર એ આર્તનાદ સાંભળતાં જ તત્કાળ કેમ દોડી ગયા ?’
શ્રીકૃષ્ણએ કહ્યું, ‘પ્રથમ વાર દ્રૌપદી મને રક્ષા કરવા માટે પ્રાર્થના કરતી હતી, પરંતુ એમાં એની સંપૂર્ણ શરણાગતિ નહોતી. બીજી વાર એ સંપૂર્ણ સમર્પણ કરીને મારા શરણે આવી એટલે મેં વિનાવિલંબે એને સહાય કરી.’ ભક્તવત્સલ શ્રીકૃષ્ણની આ વાત સાંભળીને રુક્મિણીની આંખમાંથી આનંદનાં આંસુ સરી પડ્યાં.