દેશનું પરિભ્રમણ કરતા સંત એક એવા ગામમાં આવી ચડ્યા કે જ્યાંના લોકો ઘોર અજ્ઞાની અને અતિ ઉપદ્રવી હતા. આ લોકોને થયું કે ગામમાં સંત પધારી રહ્યા છે, તો એમનું ઉચિત સ્વાગત કરવું જોઈએ. સ્વાગત કરવાનું તો નક્કી કર્યું, પરંતુ ગામના ઉપદ્રવી લોકોએ વિચાર્યું કે સ્વાગત એવું કરવું કે એને બરાબર યાદ રહી જાય ! ફરી વાર ગામમાં આવવાનું નામ ન લે ! ગામના ઉપદ્રવીઓ સાથે મળીને સંતનું સ્વાગત ક૨વા ચાલ્યા અને ફૂલોને બદલે પગરખાંના હારથી એમનું સન્માન કર્યું.
ઉપદ્રવી લોકોની ધારણા હતી કે આમ કરવાથી સંત અકળાઈ જશે. બૂમો પાડશે અથવા તો ક્રોધિત થશે. ગુસ્સે ભરાઈને ગળામાંથી પગરખાંનો હાર બહાર કાઢીને દૂર ફેંકી દેશે, પરંતુ ઉપદ્રવી લોકોની ધારણા પ્રમાણે કશું બન્યું નહીં. સંત સહેજે વિચલિત થયા નહીં અને એમના ચહેરા પરની પ્રસન્નતાની એક રેખા પણ બદલાઈ નહીં.
એ તો હસતાં હસતાં ગામમાં પ્રવેશ્યા અને ગામની શેરી વચ્ચેથી નીકળીને સહુને વંદન કરવા લાગ્યા. તોફાનીઓને થયું કે આપણો દાવ સફળ થયો નહીં અને સંત તો નારાજ થવાને બદલે રાજી રાજી થઈને ગામમાં ઘૂમી રહ્યા છે. તોફાની ટોળાના આગેવાને સંતને પૂછ્યું, ‘હે મહાત્મા, આપને એનો ખ્યાલ છે ને કે આપના ગળામાં પુષ્પોનો હાર નહીં, પણ પગરખાંનો હાર છે.’
સંતે કહ્યું, ‘તેથી શું ?’
ટોળાના આગેવાનને આશ્ચર્ય થયું. ‘અરે.. આવો પગરખાંનો હાર પહેરાતો હશે ? વળી તમે તો આ હાર પહેરીને આખા ગામમાં નિરાંતે ફરો છો’.
સંત બોલ્યા, ‘ભાઈ, હું તો માત્ર હાર જોઉં છું. એ હાર શેનો બનેલો છે એની મને ૫૨વા નથી. તમે મારું હારથી સ્વાગત કર્યું એની અવગણના કઈ રીતે કરી શકું ? મારો હાર ફૂલનો હોય કે પગરખાંનો – એથી શું ફેર પડે ?’
આગેવાને પૂછ્યું, ‘કેમ, એમાં કશો ફેર ન પડે ? તમારું સ્વાગત બીજા લોકોએ પુષ્પોના હારથી કર્યું હશે અને અમે જૂતાંના હારથી કર્યું, તો તેનો તમને કશો ફેર ન પડે !’
સંતે હસીને કહ્યું, ‘જુઓ ભાઈ, હું તો એટલું જ માનું છું કે જેવા લોકો તેવું સ્વાગત. પુષ્પોથી પૂજા કરનારા પુષ્પોનો હાર લાવે અને પગમાં પહેરવાના જૂતા જેવી હીન બુદ્ધિ ધરાવનાર જૂતાનો હાર લાવે. સ્વાગત કરવાનો સહુનો પોતપોતાનો તરીકો હોય છે, એમાં હું શું કરું ?’
સંતની વાત સાંભળીને ગામલોકોને ખૂબ શરમ આવી. એમને એમની ભૂલ સમજાઈ અને સંતની ક્ષમા માગી. સંતે કહ્યું, ‘તમને ક્ષમા તો આપું છું, પરંતુ ક્ષમાની સાથે મનોમન એટલો સંકલ્પ પણ કરજો કે ગમે તેવી વિકટ કે વિપરીત પરિસ્થિતિ આવે, તો પણ મારી જેમ ધૈર્ય ધારણ કરજો અને કોઈપણ હાલતમાં ક્રોધ કરશો નહીં.’
સમય જતાં આ સંતે પોતાના આચરણથી ગામલોકોના જીવનમાં પ્રેમ અને સદ્ભાવ જગાવ્યો.