સ્વામી વિવેકાનંદનાં વ્યક્તિત્વ અને વ્યાખ્યાનોના ઊંડા પ્રભાવને પરિણામે ખ્રિસ્તી ધર્મગુરુ સેમ્યુઅલ ઇચમંડની પુત્રી માર્ગારેટ ઇ. નોબલ ‘ભગિની નિવેદિતા’ બન્યાં અને સ્વામી વિવેકાનંદે પહેલાં ઇંગ્લૅન્ડમાં અને એ પછી ભારતમાં એમને સેવાકાર્ય કરવાની સંમતિ આપી.
૧૮૯૮ની ૨૫મી માર્ચે હિંદુ ધર્મમાં દીક્ષા લીધી. એ સમયે ભારતીય સ્ત્રીઓ અતિ દીન-હીન અને અજ્ઞાન અવસ્થામાં જીવતી હતી, ત્યારે ભગિની નિવેદિતાએ પ્રેમ, નિષ્ઠા અને આત્મસમર્પણથી સ્ત્રીઓ અને બાલિકાઓના શિક્ષણ અને ઉત્કર્ષ માટે પ્રયત્નો કર્યા. સામાજિક રૂઢિઓને કારણે રિબાતી કેટલીય બાળવિધવાઓ અને ત્યક્તાઓ એમની પાસે આશ્વાસન અને જ્ઞાન મેળવવા આવતી હતી અને આમાંથી ‘બહેનોના ઘર’ નામની એમની યોજનાએ આકાર લીધો.
શિક્ષણ ઉપરાંત ચિત્રકામ અને સિવણના વર્ગો શરૂ કર્યા. વિધવાઓનું મન પ્રવૃત્તિમય રહે, આવક મળે અને જ્ઞાન વધે એવી અનેક યોજનાઓ કરી. એમણે અનાથ બાલિકાઓ માટે એક આશ્રમ શરૂ કર્યો. આને માટે નાણાંની જરૂર પડે, પરંતુ ભારતની બ્રિટિશ સરકારે એવો હુકમ કર્યો કે માત્ર ભારતવાસીઓ પાસેથી જ તેઓ દાન મેળવી શકશે. ભારતમાં વસતા અંગ્રેજો કે અન્ય વિદેશીઓ પાસેથી નહીં.
એક વાર એક ધનવાન પાસે ભગિની નિવેદિતા ફાળો ઉઘરાવવા ગયાં. આ મખ્ખીચૂસ શેઠ કોઈને એક પૈસો આપવામાં માનતા નહીં. ભગિની નિવેદિતાએ આ બાલિકાઓની મુશ્કેલીઓનો ચિતાર આપ્યો. એમના જ્ઞાન અને સ્વાવલંબન માટે તૈયાર થઈ રહેલા આશ્રમની વાત કરી. એનાથી બહેનોને અને સમાજને કેટલો લાભ થશે એ સમજાવ્યું.
આ બધું કહ્યું તે સમયે વચ્ચે વચ્ચે આ ધનિકને આર્થિક સહાય કરવા માટે વિનંતી કરી, પણ કંજૂસને દાનની વાત ક્યાંથી સંભળાય ? એમના પેટનું પાણી હાલ્યું નહીં, પરંતુ આમ વારંવાર દાનની વાત થતી જોઈને એ અકળાઈ ઊઠ્યા અને ગુસ્સે થઈને એમણે ભગિની નિવેદિતાને જોરથી થપ્પડ મારી.
સેવાભાવી ભગિની નિવેદિતા પર આની કશી અસર થઈ નહીં. માત્ર થોડીક ક્ષણો મૌન રહ્યાં અને પછી બોલ્યાં, ‘આપે મને તો આ આપ્યું, પરંતુ આ અનાથ બાલિકાઓને માટે તો કંઈ આપો ?’ ગુસ્સામાં થયેલી ભૂલનો તો શેઠને પશ્ચાત્તાપ હતો જ, પણ ભગિની નિવેદિતાની વાત સાંભળીને એમનું ચિત્ત આત્મગ્લાનિથી ભરાઈ ગયું. પશ્ચાત્તાપના બોજ હેઠળ એ ઘરમાં જઈને દાન માટે સારી એવી રકમ લઈ આવ્યા અને પોતાના વર્તાવ માટે માફી માગતાં એ રકમ ભગિની નિવેદિતાને સોંપી.
ભગિની નિવેદિતાની સાથે આવેલી મહિલાઓને સમજાયું કે સેવાકાર્ય માટે કેવી નિષ્ઠા અને નિરહંકાર જોઈએ !