પર્વ એટલે તહેવા૨. પર્વ બે પ્રકારનાં હોય છે : એક લૌકિક પર્વ, બીજું આધ્યાત્મિક પર્વ. લૌકિક પર્વ સ્થૂળ આનંદ અને ક્ષણિક સુખ માટે હોય છે. આધ્યાત્મિક પર્વ સૂક્ષ્મ આનંદ અને શાશ્વત સુખ માટે હોય છે. પર્વોનો ઉગમ મૂળમાં સાર્વજનિક હોય છે. આપણે એને સાંપ્રદાયિક બતાવવાની ચેષ્ટા કરીએ છીએ. ફરી એનો સમષ્ટિમાં પ્રસાર કરીએ, તો એ સાચા પર્વની આરાધના અને ઉજવણી થશે.
ગમે તેવાં વેશ, વાણી કે વૈચિત્ર્યવાળો માનવી મૂળે તો બે હાથ-બે પગવાળો માનવી જ છે, ને –માનવી છે એની પાસે મન છે અને મન છે તો ત્યાં પ્રિય કે અપ્રિય પણ છે. સહુનો એક અનુભવ છે કે સામાન્ય માનવીને જીવન પ્રિય છે. મૃત્યુ અપ્રિય છે. સહુને સુખ પસંદ છે, દુઃખ નાપસંદ છે. આ સુખદુઃખનો શંભુમેળો જ્યાં થાય છે એનું નામ સંસાર છે.
સંસારમાં બે ભાવના ઉગ્ર રીતે પ્રવર્તતી દેખાય છે. મિત્રોનો મોહ અને શત્રુનો દ્વેષ, ધર્મની પરિભાષામાં કહીએ તો રાગ અને દ્વેષ આપણા આજના જીવનનાં ચાલકબળો છે. આ બે બળોનું દુનિયામાં નિષ્કંટક રાજ્ય ચાલે છે. સમગ્ર સંસારવ્યવહાર એવો છે કે જે ગમે તેના તરફ રાગ રાખવો અને જે ન ગમે તેના તરફ દ્વેષ કરવો. આ રાગ અને દ્વેષ સર્વ પાપ અને સર્વ અધર્મ તથા અનાચારનાં મૂળ છે. આત્મિક ઉન્નતિ એના આડે રૂંધાઈ રહી છે. એ બળોને સામાન્ય જીવો સર્વથા છેદી શકતા નથી, પણ કેટલાક નરોત્તમો રાગ-દ્વેષને સર્વથા જીતે છે.
જે જીતે છે તે જિન કહેવાય છે. એ જિનના અનુભવોને અને કથનને જે અનુમોદે છે ને યથાશક્ય આચરે છે તે જૈન કહેવાય છે. મનને શુદ્ધ કરી, વિષયોને જે જીતવા મથે – તે સહુ જૈન ! સંસારનો સંગ્રામ પ્રત્યક્ષ બળો સાથે હોય, જૈનનો સંગ્રામ પરોક્ષ બળો સાથે હોય. પરોક્ષ બળો જીતે છે ત્યારે એ જિન બને છે.
જૈન ધર્મને કોઈ વાડા નથી, સીમા નથી, બંધન નથી, દીવાલો નથી. ચારે વર્ણ અને ચોવીસે જાતિઓ અરે, આખો સંસાર ઉપર્યુક્ત ભાવનાઓને અંતરમાં સન્માની જૈન કહેવરાવી શકે છે. આ જૈન ધર્મનાં અનેક પર્વો છે. એમાં પર્યુષણા પર્વ મહાન છે. પર્વાધિરાજ છે. આ પર્વ સમયે વર્ષભરનાં રાગ-દ્વેષ ઓગાળી નાખવાનાં હોય છે. બીજાના દોષોને ભૂલી જવાના છે અને પોતાના દોષોને પ્રત્યક્ષ કરવાના છે ! છેવટે જગતના જીવો પાસે મૈત્રી માગવાની છે : મૈત્રીબંધન માટે અનિવાર્ય ક્ષમાપના પાઠવવાની છે, ને સાથે પોતાની મૈત્રીનો કૉલ આપવાનો છે. મનના અરીસાને સ્વચ્છ કરવાનું આ મહાપર્વ સંસારમાં એક અને અનોખું છે. આ ગુમરાહ જગતમાં દીવાદાંડી જેવા એ પર્વને આજે આરાધીએ.
પર્યુષણાનો અર્થ છે – પાસે વસવું : અથવા ગુરુની નિકટ રહેવું, સ્વાધ્યાય, સંયમ, તપ ને પ્રત્યાખ્યાન દ્વારા ચિત્તશુદ્ધિ કરી ગુરુ આશ્રયે પ્રાયશ્ચિત્ત કરી, ક્ષમાપના આચરી, જીવનશુદ્ધિ સાધીને આત્માની સમીપ જઈને વસવું. જે ઉપનિષદનો અર્થ છે, તે પર્યુષણ પર્વનો છે.
નિર્મળતા વગર આત્માની સમીપ જઈ શકાતું નથી ને આંતરશુદ્ધિ વગર એનો સંપર્ક સધાતો નથી.