વિહાર કરી રહેલા બૌદ્ધ ભિખ્ખુ બોધિધર્મ પોતાના શિષ્યો સાથે એક ગામમાં પહોંચ્યા. ગ્રામજનોએ ભાવપૂર્વક બૌદ્ધ ભિખ્ખુ બોધિધર્મનો આદરસત્કાર કર્યો અને આખા ગામમાં કોઈ મંગલ પ્રસંગ હોય એવું વાતાવરણ સર્જાઈ રહ્યું. સહુ કોઈ ભિખ્ખુ બોધિધર્મનાં ઉપદેશવચનોનું શ્રવણ ક૨વા માટે આતુર હતા, તેથી એમની આજુબાજુ બેસી ગયા. ભિખ્ખુ બોધિધર્મએ સરળ ભાષામાં હૃદયસ્પર્શી રીતે ઉપદેશ આપ્યો અને ગ્રામજનો ભાવવિભોર બની ગયા.
એવામાં એક વ્યક્તિ એકાએક ધસી આવી અને ભિખ્ખુ બોધિધર્મને અપશબ્દો કહેવા લાગી. ગ્રામજનોએ એને અટકાવવા કોશિશ કરી, તોપણ એ માન્યો નહીં. ગાળોનો વરસાદ વરસાવતો રહ્યો. આખરે બધાએ ભેગા થઈ એના હાથ પકડી રાખ્યા અને એનું મોં બંધ કરી દીધું. લોકોએ બોધિધર્મની ક્ષમાયાચના માગતાં કહ્યું,
‘આપ અમને ક્ષમા કરો. આ ઉદ્દંડ વ્યક્તિએ આપને કશાય કારણ વિના, નિરર્થક અપશબ્દો કહ્યા.’
બોધિધર્મ એ વ્યક્તિના આચરણ પર સહેજે ક્રોધિત થયા નહીં અને બોલ્યા, ‘ના, કશુંય નિરર્થક બન્યું નથી. ભવિષ્યમાં આ વ્યક્તિ મારો પરમ ભક્ત બનવાનો છે.’
લોકોને બોધિધર્મની વાત સાંભળીને આશ્ચર્ય થયું અને બોલી ઊઠ્યા, ‘આવા નિરર્થક અપશબ્દો બોલનાર કઈ રીતે આપનો શિષ્ય બની શકે ?’
બોધીધર્મએ કહ્યું, ‘જુઓ, કુંભારને ત્યાં ઘડો લેવા જઈએ છીએ, ત્યારે ઘડાને કેટલા બધા ટકોરા મારીને ચકાસીએ છીએ. જોઈએ છીએ કે તે ફૂટેલો તો નથી ને. કોઈ તિરાડ તો નથી ને ! જો તદ્દન નજીવી કિંમતના ઘડાને માટે આટલી બધી પરખ કરીએ, તો ભવિષ્યમાં જેને ગુરુ બનાવવાના છે, એને પંદર-વીસ ગાળો બોલ્યા વિના કઈ રીતે ઓળખી શકાય ? ગાલીપ્રદાન દ્વારા એ ગુરુપરીક્ષા કરે છે. ગુરુમાં ક્રોધ કેટલો છે અને ધૈર્ય કેટલું છે એનું સાચું માપ મેળવે છે. એ બરાબર જાણ્યા પછી જ એ મને ગુરુ તરીકે અપનાવશે. આથી તમે એવું ન કહેશો કે એણે મને નિરર્થક રીતે અપશબ્દો કહ્યા છે. ગુરુપદ તો ત્યારે જ આપી શકાય કે જ્યારે એનામાં સદાચરણનાં સઘળાં લક્ષણો હોય. માટે આ એને માટે અતિ આવશ્યક હતું.’
ભિખ્ખુ બોધિધર્મનો ઉત્તર સાંભળીને ક્રોધિત વ્યક્તિ શાંત થયો અને હકીકતમાં એવું બન્યું પણ ખરું કે સમય જતાં એ એમનો પરમ ભક્ત બની ગયો.