તમારી દુઆથી મારું કુટુંબ સલામત છે !

સદાબહાર ગીતોના ગાયક અને ઉમદા અભિનેતા તરીકે દેશભરમાં પ્રસિદ્ધ કુંદનલાલ સહગલ દિલ્હીમાં એક કાર્યક્રમ આપી રહ્યા હતા. વિશાળ સભાગૃહમાં કલારસિકો પોતાના આ પ્રિય ગાયકને સાંભળવા માટે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. સહગલ મંચ પર આવ્યા અને ગીતનો પ્રારંભ કર્યો. એમનું પ્રથમ ગીત પૂર્ણ થયું કે તરત જ કાર્યક્રમના યોજક સહગલ પાસે દોડી આવ્યા અને એમના કાનમાં કંઈક કહ્યું. સહગલે એમની વાત ધ્યાનથી સાંભળી, પરંતુ ફરી પાછું ગાવાનું શરૂ કર્યું.

કાર્યક્રમના આયોજક ચિંતાતુર નજરે કુંદનલાલ સહગલને નીરખી રહ્યા હતા.

સહગલના ચહેરા પરનો કોઈ ભાવ બદલાયો છે કે નહીં એ જોવા પ્રયત્ન કરતા હતા, પરંતુ એમણે તો એમના પ્રિય ભૈરવી રાગમાં ‘સ્ટ્રીટ સિંગર’ ફિલ્મનું ‘બાબુલ મોરા’ ગીત ગાવાનું શરૂ કર્યું. આ અત્યંત લોકપ્રિય ગીત પૂર્ણ થયું, ત્યારે સભાગૃહ તાલીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યું.

કાર્યક્રમના આયોજક ફરી સ્ટેજ પર ધસી આવ્યા અને સહગલને કહ્યું કે તમારે તરત જ જવું જોઈએ. આપણે કાર્યક્રમ મોકૂફ રખાયાની જાહેરાત કરી દઈએ.

કુંદનલાલ સહગલે ઉત્તર આપ્યો, ‘જે બનવાનું હતું તે બની ગયું. હોની અનહોની થવાની નથી. મારા આ પ્રેક્ષકોનું દિલ હું તોડી શકું નહીં. કાર્યક્રમ તો પૂરો જ કરીશ અને નક્કી કરેલાં બધાં ગીતો ગાઈશ.’

સહગલ એક પછી એક ગીતો રજૂ કરવા માંડ્યા. ‘દેવદાસ’નું ‘દુ:ખકે અબ દિન બિતત નાહીં’ અને ‘દુશ્મન’ ચલચિત્રનું ‘કરું ક્યા આશ નિરાશ ભઈ’ તથા ‘પ્રેસિડન્ટ’નું ‘એક બંગલા બને ન્યારા’ જેવાં ગીતો પ્રસ્તુત કર્યાં. સહગલના અવાજે શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા અને કાર્યક્રમના અંતે શ્રોતાજનોનો આભાર માનતાં કહ્યું, ‘મારું પ્રથમ ગીત પૂર્ણ થયું, ત્યારે સમારંભના આયોજકે મને સમાચાર આપ્યા હતા કે મારા ઘરમાં મોટી આગ લાગી છે અને એમાં મારી સઘળી ઘરવખરી ભસ્મીભૂત થઈ ગઈ છે. આમ છતાં તમારા જેવા શુભેચ્છકોની દુઆને કારણે કુટુંબ સલામત રહ્યું છે. ભલે ત્યારે અલવિદા.’

આ સાંભળીને હેબતાઈ ગયેલા પ્રેક્ષકો સ્વસ્થ બને, તે પહેલાં સહગલ મંચ છોડીને ચાલ્યા ગયા.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑