૧૯૪૮માં દિલ્હીની મેઇડન હોટલમાં મુંબઈ નગરપાલિકાના અગ્રણી કૉંગ્રેસી નગરસેવક નરીમાને સરદાર વલ્લભભાઈ પટેલને હોટલમાંથી ફોન કરીને મુલાકાત માગી. આ નરીમાનને કારણે સરદાર પટેલ પર ઘણા ગેરવાજબી આક્ષેપો થયા હતા. મુંબઈનાં અખબારોએ પણ નરીમાનની તરફદારી કરીને સરદાર પટેલ પર આરોપોનો ધોધ વરસાવ્યો હતો. કોઈએ તો સરદાર પર એવો આરોપ મૂક્યો કે તેઓ તેજસ્વી વ્યક્તિઓની રાજકીય કારકિર્દીના ગળે ટૂંપો મારી દે છે. ખુદ નરીમાને એવો આક્ષેપ કર્યો હતો કે સરદાર પટેલે સભ્યો પર એમને બદલે ખેરની વરણી કરવા માટે ગેરવાજબી દબાણ લાવ્યા હતા. આ આક્ષેપો અંગે ગાંધીજી અને મુંબઈના પારસી વકીલ બહાદુરજીને લવાદી સોંપવામાં આવી અને બહાદુરજી પારસી હોવા છતાં એમણે કહ્યું કે ખેરની વરણી વલ્લભભાઈના ગેરવાજબી દબાણને કારણે કરવામાં આવી નથી.
લવાદીનો ચુકાદો આવ્યો ત્યારે સરદારની આંખો ભીની થઈ ગઈ હતી અને આ આક્ષેપોના મારા વચ્ચે સરદારે જાળવેલા સંયમની મહાત્મા ગાંધીજીએ પ્રશંસા કરી હતી. એ જ નરીમાને ફરી મુલાકાત માટે સમય માગ્યો ત્યારે સરદારે દિલ્હીના ૧, ઓરંગઝેબ રોડ પરના મકાનમાં એમનું પ્રેમથી સ્વાગત કર્યું અને બંને વચ્ચે વાતચીત થઈ.
એ પછી થોડા દિવસે, ૧૯૪૮ના ઑક્ટોબરની ચોથી તારીખે દિલ્હીની મેઇડન હોટલમાં નરીમાન પર હૃદયરોગનો જીવલેણ હુમલો થયો અને તેઓ અવસાન પામ્યા. નરીમાનનાં સગાંઓની ઇચ્છા હતી કે નરીમાનનો મૃતદેહ ખાસ વિમાન દ્વારા મુંબઈ પહોંચાડવામાં આવે. નરીમાનની કર્મભૂમિ અને ચાહનાક્ષેત્ર મુંબઈ હતું.
સરદારને આની ખબર પડી. એમણે તત્કાળ કૉફિન લઈ જવા માટે ભારતીય હવાઈદળની ચાર્ટર ફ્લાઇટની વ્યવસ્થા કરી. બીજે દિવસે સવારે એ ચાર્ટર ફ્લાઇટ દિલ્હીથી મુંબઈ જવા નીકળી. નરીમાન પ્રત્યેના આદરમાં સરદારની ઉદારતા સતત પ્રગટ થતી હતી. નરીમાનનું અવસાન થયું ત્યારે સરદારે તેમને ‘મુંબઈના બેતાજ બાદશાહ’ કહ્યા હતા.
આ ઘટનાને થોડો કાળ વીતી ગયો. થોડા દિવસ બાદ નરીમાનના મૃતદેહને મુંબઈ લઈ જવા માટે જે ચાર્ટર ફ્લાઇટ મોકલી હતી તેનું સાત હજાર રૂપિયાનું બિલ ઇન્ડિયન ઍરફોર્સની કચેરીમાંથી સરદાર પર આવ્યું. સરદારે જ આ ખાસ વિમાનની માગણી કરી હતી, તેથી બિલનું કરવું શું ? સરદારને આ અંગે પૂછવું પણ કઈ રીતે ? મણિબહેનની હિંમત ચાલતી નહોતી. સરદારના મુખ્ય પ્રાઇવેટ સેક્રેટરી શંકર પણ વિમાસણ અનુભવતા હતા. સરદારના પર્સનલ સેક્રેટરી શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ પાસે સાત હજારનું બિલ આવ્યું. તેઓ પણ વિચારમાં પડ્યા કે આ બિલ સરદારને આપવું કઈ રીતે ?
સરદાર સાથેના ઘનિષ્ઠ સહવાસને કારણે એમને ખ્યાલ હતો કે બપોરે બેથી અઢી વચ્ચેનો સમય એ સરદારને મળવા માટે સૌથી સારો સમયગાળો કહેવાય. એ સમયે સરદાર થોડી નિરાંતમાં હોય. એમણે આ સમયે આ બિલ રજૂ કરીને સરદારને પૂછ્યું કે આ બિલ કયા ખાતામાંથી આપવું છે ? આ સમયે નરીમાન કૉંગ્રેસ પક્ષના કોઈ ઉચ્ચ હોદ્દા પર નહોતા કે જેથી કૉંગ્રેસ પક્ષ એમનું આ ખર્ચ આપે. સરકારમાં પણ તેઓ કોઈ હોદ્દો ધરાવતા નહોતા કે જેથી સરકાર આ ૨કમ ચૂકવી શકે. સરદારે બિલ જોયું અને એમણે જાતે જ ચૂકવી દીધું. નરીમાનનાં સગાંઓને આ બિલ મોકલવાનો ક્ષણિક વિચાર પણ એમના મનમાં જાગ્યો નહીં. પોતાના પ્રખર વિરોધી પ્રત્યે પણ દિલની કેવી દિલાવરી !