તેં મારી વર્ષો જૂની સૂગ પળવારમાં ઓછી કરી નાખી !

ગુજરાતના આધુનિક સંત અને સમાજનાં અનેકવિધ ક્ષેત્રોમાં મહાન કાર્યો માટે સહુને પ્રેરનાર પૂજ્ય શ્રી મોટા સૂરતના માર્ગ પરથી એક દિવસ નમતા પહોરે પસાર થતા હતા, ત્યારે નજીકના મકાનના બીજા માળ પરથી એક સ્ત્રીએ અજાણતાં જ એઠવાડ ફેંક્યો. પૂજ્ય મોટાએ ઉપર નજર કરી, તો બાલ્કનીમાં એક સ્ત્રી ઊભી હતી અને એના હાથમાં વાસણ હતું.

પૂજ્ય મોટાનાં કપડાં અને એમનું આખું શરીર એઠવાડથી લથબથ થઈ ગયું. એની દુર્ગંધ આવવા લાગી. વસ્ત્રો એઠવાડને કારણે ગંદાં થઈ ગયાં.

બીજા માળની બાલ્કની પર ઊભેલી સ્ત્રીના હાથમાં વાસણ ધ્રૂજવા લાગ્યું. એને પોતાની ભૂલ સમજાઈ. એક તો એણે ઉપ૨થી એઠવાડ નાખ્યો અને તે પણ નીચે કોઈ વ્યક્તિ પસાર થાય છે કે નહીં તે જોયા વિના.

એ એકદમ ગભરાઈ ગઈ અને મનોમન વિચારવા લાગી કે જો આ વ્યક્તિ ઉપર આવીને એને અપશબ્દો કહેશે, તો શું થશે ?

બન્યું પણ એવું કે પૂજ્ય શ્રી મોટા મકાનનો દાદરો ચડીને ઉપર આવવા લાગ્યા. બાલ્કનીમાં ઊભેલી ધ્રૂજતી સ્ત્રી પાસે આવ્યા. સ્ત્રીએ વિચાર્યું કે હવે તો એનું આવી બનશે. એને ન કહેવાના શબ્દો સાંભળવા પડશે અને ઘરમાં સહુની હાજરીમાં ભારે બેઆબરૂ થશે.

પૂજ્ય શ્રી મોટા ઉપર આવ્યા અને શાંતિથી એ સ્ત્રીની પાસે જઈને કહ્યું, ‘બહેન, સહેજે ગભરાઈશ નહીં, તું તો મારી ઉપકારી છે. આજ સુધી મારા મનમાં એઠવાડ પ્રત્યે કોણ જાણે કેમ પણ કોઈ સૂગ રહેતી હતી. તેં મારી વર્ષો જૂની સૂગ પળવારમાં ઓછી કરી દીધી.’

પેલી સ્ત્રી સ્તબ્ધ બનીને સાંભળતી રહી. એને ખ્યાલ આવ્યો કે જેમના ૫૨ એણે એઠવાડ ફેંક્યો એ તો દેશના મહાન સંત પૂજ્ય મોટા છે; એથી એણે બે હાથ જોડીને એમની માફી માગી. ચરણસ્પર્શ કર્યો, ત્યારે પૂજ્ય મોટાએ એટલું જ કહ્યું,

‘બહેન, હવે નીચે જોયા વિના બાલ્કનીમાંથી આવી રીતે એઠવાડ ફેંકતી નહીં. એઠવાડ ઉપરથી ફેંકાય નહીં અને યોગ્ય જગાએ નખાય.’

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑