આર્યસમાજના સ્થાપક, વેદોના ગહન અભ્યાસી, અગ્રણી સમાજસુધારક અને મહાન દેશભક્ત સ્વામી દયાનંદ સરસ્વતી એક વાર ઉદેપુરમાં આવ્યા. ઉદેપુરના રાણાએ સ્વામીજીનું ભવ્ય સ્વાગત કર્યું. તેઓ સ્વયં સ્વામી દયાનંદ સરસ્વતીનાં વ્યાખ્યાનોમાં નિયમિત રૂપે ઉપસ્થિત રહેતા અને ધીરે ધીરે એમના વિચારોથી પ્રભાવિત થવા લાગ્યા. વેદોનું શિક્ષણ, અસ્પૃશ્યોનો ઉદ્ધાર અને નિર્ધનોને સહાય કરવાની સ્વામી દયાનંદ સરસ્વતીની હાકલ એમને સ્પર્શી ગઈ.
આવી ભવ્ય પ્રતિભા જોઈને ઉદેપુરના રાણાને એમ થયું કે જો સ્વામીજી એમની એકલિંગજીની જાગીર સંભાળી લે અને એના મહંત બને, તો એમનો બેડો પાર થઈ જાય. આવા સમર્થ સંતથી તો રાજ્યના લોકોને પણ લાભ અને કલ્યાણ પ્રાપ્ત થાય.
ઉદેપુરના રાણાએ એક દિવસ સ્વામી દયાનંદ સરસ્વતીને કહ્યું, ‘સ્વામીજી, મારી ક્ષતિ થાય તો ક્ષમા કરજો, પરંતુ આપ મારી એક વિનંતી સ્વીકારશો ? અમારી એકલિંગજીની જાગીરના આપ ગાદીપતિ મહંત બનો, તો મારા રાજને ઘણો લાભ થાય.’
સ્વામી દયાનંદ સરસ્વતીએ ઉદેપુરના રાણાને વળતો પ્રશ્ન કર્યો, ‘તમારી જાગીરની કુલ કિંમત કેટલી થાય ?’
‘પૂરા એક લાખ રૂપિયા !’
સ્વામી દયાનંદ સરસ્વતીએ કહ્યું, ‘એનો અર્થ એટલો થયો કે હું મારું ધન ગુમાવીને એક લાખ રૂપિયાનો માલિક થાઉં. મારું ધન તો એવું છે કે જે ચોર ચોરી શકતા નથી, લૂંટારા લૂંટી શકતા નથી કે રાજ છીનવી શકતું નથી.’
ઉદેપુરના રાણાએ પ્રશ્ન કર્યો, ‘એવું તે કયું ધન ? મને કહેશો ખરા ?’
સ્વામી દયાનંદ સરસ્વતીએ કહ્યું, ‘એ ધન છે સંતોષનું ધન. મારા જેવા સાધુનું એ સૌથી મોટું ધન. વળી, મહંત બનવું એટલે મારી મુક્તિ પર બંધન આવે અને એથીય વિશેષ તો મારું કામ છોડીને જાગીરની સાચવણીમાં ડૂબી જાઉં. ગાદી મને બાંધી રાખે. માટે રાણાજી, મારે મહંત બનીને ગાદી શોભાવવી નથી, મારે તો મારા દેશવાસીઓની સેવા કરવી છે.’