પ્રેમનો પ્રત્યુત્તર આપતાં આવડે છે ખરું ? જગતમાં પ્રેમના અનેક પ્રકાર છે, પરંતુ એ પ્રેમનો અનુભવ કરનાર તમારા પ્રેમનો પ્રત્યુત્તર કઈ રીતે પાઠવે છે ? કેટલાક અન્યના પ્રેમનો સ્વીકાર કરે છે, પણ એના જવાબમાં સાવ નિરુત્તર રહે છે. મોટો ભાઈ નાના ભાઈ પર સ્નેહ વરસાવે, પણ એને નાનો ભાઈ એની ફરજ સમજીને એનો કોઈ પ્રત્યુત્તર આપતો નથી. કેટલાક આને બિનજરૂરી માને છે. એ કહે છે કે સામી વ્યક્તિ પ્રેમ દાખવે એનો સ્વીકાર કરવાનો હોય, પણ એ વિશે કશો ઉત્તર આપવાનો ન હોય. કેટલીક વ્યક્તિઓ અન્ય વ્યક્તિએ દાખવેલા પ્રેમ પ્રત્યે ઉપેક્ષા સેવે છે અથવા તો એને એનું કર્તવ્ય માને છે. જ્યારે કેટલાક પોતાનો સ્વભાવ અતડો (રિઝર્વ) છે એમ કહીને સામી વ્યક્તિએ બતાવેલા પ્રેમનો પ્રત્યુત્તર આપવાનું ટાળે છે.
આમ કરનાર એક મોટી શક્તિ ગુમાવે છે અને એ છે પ્રેમની પૉઝિટિવ તાકાતની. પ્રેમનો પ્રત્યુત્તર મળતાં વ્યક્તિમાં એક પ્રકારનો આત્મવિશ્વાસ જાગે છે. પોતાને કોઈ મીઠી હૂંફ કે સબળ સાથ આપી રહ્યું છે તેમ લાગે છે. પરિણામે એ વ્યક્તિમાં પોતાને માટે એક પ્રકારનો વિશ્વાસ જાગે છે. આ વિશ્વાસ એના જીવનમાં આવતા નિરાશાપૂર્ણ કે નકારાત્મક વિચારોને રોકી રાખશે. એનામાં પૉઝિટિવ અભિગમ (સકારાત્મક વિચાર) જગાવશે. શબ્દથી, આલિંગનથી કે માથે હાથ ફેરવીને ચાહવામાં એક પ્રકારની શક્તિ રહેલી છે. આ શક્તિ તમે બીજાને જેટલી આપશો, એટલી એ તમને પાછી મળશે.