આ ક્ષણે તમારું મન ક્યાં છે ? અને એ વિશે વિચારીશું તો ખ્યાલ આવશે કે વર્તમાનમાં ભલે કોઈ ક્રિયા કરતા હોઈએ, પરંતુ મન તો ભૂતકાળની દુનિયામાં કે ભવિષ્યની કલ્પનામાં ડૂબેલું હોય છે. મનને ભૂતકાળમાં બનેલી કોઈ ઘટના ઘેરી વળી હોય છે, મનમાં જડાઈ ગયેલો દુઃખદ પ્રસંગ એને યાદ આવતો હોય છે. આમેય માનવી પોતાના મન પર ભૂતકાળનો મોટો બોજ લઈને જીવતો હોય છે. વર્તમાનની કોઈ પણ ઘટનાને મૂલવવા માટે એ ભવિષ્ય તરફ જોવાને બદલે પોતાના ભૂતકાળની ભીતરમાં દોડી જાય છે અને ભૂતકાળના એ વર્ષોજૂના અનુભવને આધારે આજનો વિચાર કરે છે.
જો મન ભૂતકાળમાં ન ડૂબેલું હોય, તો એ ભવિષ્યમાં ખૂંપેલું હોય છે. માનવીના ચિત્તમાં ભવિષ્ય વિશે જુદા જુદા વિચારો જાગતા હોય છે. માણસ ઑફિસ જવા માટે તૈયાર થતો હોય, તો મનને ઑફિસમાં ગયા પછી મળનારા બૉસના ઠપકાની ચિંતા હોય છે. દીકરીની સગાઈ થઈ રહી હોય ત્યારે દીકરીનાં લગ્ન હેમખેમ પતી જાય, એનો વિચાર મન કરતું હોય છે. આને પરિણામે મન ક્યારેય વર્તમાનની ક્ષણોનો આનંદ લઈ શકતું નથી. પોતાની વર્તમાન સ્થિતિ કેવી સુંદર છે એનો વિચાર કરવાને બદલે માનવી ભૂતકાળમાં કેટલાં દુ:ખો પડ્યાં હતાં અથવા તો ભવિષ્યમાં કેવાં દુ:ખો આવશે એની ચિંતા કરતો હોય છે. જ્યાં સુધી મન છે ત્યાં સુધી ભૂતકાળ અને ભવિષ્ય છે એમાંથી બહાર નીકળીને વર્તમાનમાં આવવા માટે મૌન છે.