પડછાયો : દેહ અને કર્મનો

દેહનો પડછાયો જોઈએ છીએ અને પાછળ પાછળ આવતા પોતાના પડછાયાને ઓળખીએ છીએ, પરંતુ વ્યક્તિની પાછળ માત્ર દેહનો જ પડછાયો આવતો નથી. એની પાછળ સતત એનાં કર્મનો પડછાયો ચાલતો હોય છે. આંખોથી પાછા વળીને વ્યક્તિ પોતાનો પડછાયો જુએ છે, પરંતુ મનથી પાછા ફરીને પોતાનાં કર્મનો પડછાયો જોતા નથી.

એણે કરેલાં શુભ કર્મનો સાથ એને જીવનભર મળતો રહે છે, જે રીતે એને એના પડછાયાનો સાથ મળે છે. એ પોતાનાં અશુભ કર્મોનો પડછાયો ભૂલી જવા ચાહે છે, એના તરફ આંખ મીંચે છે, એની ઉપેક્ષા કરે છે. સમય જતાં વિસ્તૃત થઈ જશે એમ માને છે, પરંતુ એના અશુભ કર્મનો પડછાયો એનો પીછો છોડતો નથી. એ ગમે ત્યારે, ગમે તે કાળે અને ગમે તે સમયે પ્રગટ થાય છે. આથી વ્યક્તિએ પોતાના દેહના પડછાયાના વિચારની સાથે કર્મના પડછાયાની વિશેષ ચિંતા ક૨વાની જરૂર છે.

એક નાનું અશુભ કર્મ વેરનું એવું વાવેતર કરે છે કે મહાભારત સર્જાય છે અને મનમાં જાગતી સામાન્ય શંકા રામાયણ સર્જે છે, આથી માણસે એના શુભ-અશુભ કર્મના પડછાયાનો વિચાર કરવો જોઈએ, કારણ કે બીજો પડછાયો તો એને છોડી જાય છે, પણ કર્મનો પડછાયો માત્ર દિવસે જ નહીં, રાત્રે પણ એની લગોલગ રહે છે અને વ્યક્તિના જીવન પર પ્રભાવ પાડતો હોય છે !

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑