આવતીકાલનો વિચાર

જીવનમાં સૂત્રો મહત્ત્વનાં છે, પરંતુ એનાથીય વધારે અગત્યની બાબત છે એ સૂત્રોનો મર્મ અને સંદર્ભ જાણવો તે. ‘આવતીકાલની ચિંતા ઈશ્વર પર છોડી દો’ એવા પ્રસિદ્ધ સૂત્રને સ્વીકારીને ઘણી વ્યક્તિઓ આજની પરિસ્થિતિમાં જ રચીપચી રહે છે અને આવતીકાલની કોઈ ફિકર કરતી નથી. એ જે કોઈ આયોજન કરે છે, તે માત્ર આજને માટે હોય છે, આવતીકાલ પર એની દૃષ્ટિ જતી નથી. એ માને છે કે કાલની ચિંતા આપણે શા માટે કરીએ ? એ તો ઈશ્વરે પોતાને માથે લઈ લીધી છે, પરંતુ આવતીકાલની ચિંતા ઈશ્વરને સોંપીએ, એ સ્થિતિ કોઈ ઈશ્વરના ભક્તના જીવનમાં યોગ્ય છે, કોઈ અધ્યાત્મ ઉપાસકને માટે ઉચિત છે કે વન-જંગલમાં વસતા યોગીને માટે સાર્થક છે, પરંતુ જે લોકો પોતાની ઘરગૃહસ્થી ચલાવે છે અથવા તો જે આજે એક કામ શરૂ કરે છે અને આવતીકાલે એને આકાર આપવા માંગે છે, એને તો આજની માફક કાલની પણ વ્યવસ્થા કરવી પડે છે. એ આજની જિંદગીનો જ વિચાર કરે તે પૂરતું નથી. આવતીકાલની જિંદગીનો વિચાર કરવો પણ જરૂરી છે.

કાલની પરવા નહીં કરવાનું માનનારી ઘણી વ્યક્તિઓ પોતાના કુટુંબના ભવિષ્યનો વિચાર કરતી નથી. કેટલાક તો આ મુદ્દે વીમો લેવાનો વિરોધ કરતા હોય છે, પણ હકીકત તો એ છે કે વ્યક્તિએ પોતાના કુટુંબ અને વૃદ્ધાવસ્થાની આવતીકાલનો વિચાર કરીને બચત કરવી જોઈએ. માત્ર આજે કુશળતાથી એનું યોગક્ષેમનું વહન થાય તે પૂરતું નથી, એણે આવતીકાલના યોગક્ષેમનો વિચાર કરવો જોઈએ. આથી વ્યક્તિએ કાલની ચિંતા ઈશ્વરને સોંપવાની જરૂર નથી, પણ એણે પોતે જ આજની સાથે આવતીકાલનો વિચાર કરવો છે.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑