ટેબલ એ વ્યક્તિના વ્યક્તિત્વની ઓળખ આપનારું છે. કોઈને મળવા જાવ અને તેનું ટેબલ જુઓ અને એના પર અસ્તવ્યસ્ત કાગળોનો ખડકલો જુઓ તો માનજો કે જેમને તમે મળવા આવ્યા છો, એમના જીવનમાં પણ એટલી જ અવ્યવસ્થા છે. કેટલીક વ્યક્તિઓને પોતાના ટેબલ પર કાગળોનો ઢગલો કરવાનો શોખ હોય છે. ઑફિસમાં આવે એટલે બધા જ કાગળો કાઢીને ટેબલ ઉપર એનો ઢગલો કરી દે, પછી એકાદ કામ હાથ પર લે અને સાંજ પડે એ બધા કાગળો સમેટીને ઑફિસમાંથી વિદાય લે. આ કાગળોમાં જે કામ હોય એ તો એમ ને એમ રહી જાય અને ક્યારેક એ કાગળ જરૂરી હોય તો એનો સમયસ૨ જવાબ ન મળે અને ક્યારેક બિનજરૂરી કાગળો વચ્ચે એ જરૂરી કાગળ દટાઈ જાય.
આમ, કામના અગ્રતાક્રમ પ્રમાણે જે ટેબલ પર કાગળો ગોઠવે છે, એ વ્યક્તિ સમયસર કામ કરી શકે છે, પરંતુ જે બધા જ કાગળોને ભેગા થવા દે છે એ વ્યક્તિનાં કામ અધૂરાં રહે છે અને પછી કશુંક ખોવાઈ જતાં એને શોધવાનો પ્રયત્ન કરે છે અને એવો પ્રયત્ન કરવા જતાં વળી બિનજરૂરી કાગળોમાં કેટલાંક જરૂરી કાગળો દબાઈ જાય છે.
કેટલીક વ્યક્તિ પોતાના કાગળો વ્યવસ્થિત રીતે પોતાના ટેબલ પર મૂકતી હોય છે અને એને અગ્રતાક્રમ પ્રમાણે ગોઠવતી હોય છે અને કેટલીક વ્યક્તિ એવી કાર્યકુશળતા ધરાવતી હોય છે કે એ સાંજે એ ઘેર પાછી જાય, ત્યારે એના ટેબલ પર એકેય કામનો કાગળ પડેલો ન હોય ! જેમ જેમ જવાબ આપ્યા વગરના કાગળો, બિનજરૂરી કાગળો, નકામી ચિઠ્ઠીઓ વગેરે ટેબલ પર એકઠું થતું જશે, તેમ તેમ વ્યક્તિના ચિત્તમાં ભારણ (ટેન્શન) પણ વધતું જશે.