સફળતાની સીડીનાં પગથિયાં એટલે સતત પ્રયત્ન. કોઈ પણ પ્રયત્ન કરતાં પૂર્વે તમે ઘણો ગંભીર વિચાર કર્યો હોય અને એ પછી એ પ્રયત્નનો પ્રારંભ કર્યો હોય, તોપણ એવું બનવાનું કે તમને નાની કે મોટી નિષ્ફળતા મળી શકે. તમે હંમેશાં જગતની ભલાઈ જુઓ છો અને સહુ કોઈનું કલ્યાણ વાંચ્છો છો, છતાં તમારે જગતની દુર્જનતાનો સામનો કરવાનો પણ સમય આવે છે. તમે પૉઝિટિવ વિચાર કરીને નીકળ્યા હો અને નિષ્ફળતા મળે તો એમ પણ વિચારો કે આટલા બધા પ્રયત્નો નિષ્ફળ ગયા, એના કરતાં કોઈ પ્રયત્ન કર્યો જ ન હોત તો વધુ સારું થાત. પૉઝિટિવ વિચાર પ્રયત્ન માગે છે અને નૅગેટિવ વિચાર તમને નિરાશા બતાવીને તમને નિષ્ફળતામાં ધકેલી દે છે. આથી તમે કોઈ પણ પ્રયાસનો પ્રારંભ કરશો ત્યારે એમાં મુશ્કેલીઓ તો આવવાની જ. ધીરજની કસોટી થવાની જ. મનના સંકલ્પની અગ્નિપરીક્ષા પણ થશે. ક્યારેક ભૂલ પણ થાય, પરંતુ એ નિષ્ફળતા તે પ્રક્રિયાનો એક ભાગ છે તેમ માનવું જોઈએ.
એ નિષ્ફળતા જોઈને પ્રક્રિયામાં આગળ વધનાર જાતે જ પોતાની નાની નાની ભૂલો પારખે છે અને ધીરે ધીરે સફળતાના માર્ગે ચાલે છે એટલે કે કોઈ પણ કાર્યની શરૂઆતમાં નિષ્ફળતા મળે તો એને સાહજિક ગણવી જોઈએ. એને સફળતા માટે આવશ્યક માનવી જોઈએ અને વિચાર કરવો જોઈએ કે મહાન વિજ્ઞાનીઓ એક સફળતા હાંસલ કરવા માટે કેટલી નિષ્ફળ પ્રક્રિયાઓમાંથી પસાર થયા હશે. એ રીતે રસ્તામાં આવતા અવરોધના પથ્થરોમાંથી સતત પગથિયાં રચવાનો પુરુષાર્થ કરવો જોઈએ.