ઈશ્વર તો એ છે કે જેની સર્વ કામનાઓ, ઇચ્છાઓ અને અપેક્ષાઓ આથમી ગઈ હોય. આવા ઈશ્વરને આપણે આપણી અતૃપ્ત કામનાઓ કહીએ છીએ, આપણે હૃદયમાં અહર્નિશ બળબળતી ઇચ્છાઓ વર્ણવીએ છીએ અને પાર વિનાની અપેક્ષાઓ સિદ્ધ કરવા માટે આપણો તડફડાટ દાખવીએ છીએ. ક્યારેક ભક્તિભાવભર્યા અવાજે એને મદદે આવવા કાકલૂદીભરી આજીજી કરીએ છીએ, તો ક્યારેક શાસ્ત્રગ્રંથો ખોલીને એને પામવાના માર્ગોની શોધ કરી એને પોકારીએ છીએ.
કોઈ વાર આંખમાં આંસુ લાવીને એની પાસે માગણી કરીએ છીએ, તો કોઈ વાર આકાશ ભણી બે હાથ ઊંચા કરીને એને બોલાવીએ છીએ. પણ સવાલ એ છે કે જે કામના, ઇચ્છા અને અપેક્ષા એ બધાથી મુક્ત છે, એ ઈશ્વર તમારી આ સઘળી વાતો સાંભળશે કઈ રીતે ? સાંભળશે તોપણ એને સમજાશે કઈ રીતે ? જેણે ભૌતિક બાબતોનો ત્યાગ કર્યો છે, એને તમારી ભૌતિક વસ્તુઓની જાણ ક્યાંથી હોય ! જેની ઇચ્છા અને અપેક્ષાઓ ચાલી ગઈ છે એને ઇચ્છાના છેતરામણા સ્વરૂપની કે વણછીપી અપેક્ષાની આંટીઘૂંટીનો ખ્યાલ ક્યાંથી હોય ?
માનવી અને ઈશ્વર બંને સામસામા કિનારે આવેલા છે. આ સામસામા છેડા એકબીજાને મળી કઈ રીતે શકશે ? એક બાજુ અવિદ્યા છે, તો બીજી બાજુ પરમ વિદ્યા છે. એક છેડા પર અજ્ઞાન છે, તો સામે છેડે પરમજ્ઞાન – કેવળજ્ઞાન – છે. આવે સમયે સદગુરુ એ કડીરૂપ બને છે અને એ માનવી અને એ પરમાત્માને જોડી આપે છે. સદગુરુને માનવીની પીડા અને ઇચ્છાઓનો ખ્યાલ હોય છે અને પરમાત્માની વાણીનો પરિચય હોય છે. પરમાત્મા માનવીની ઇચ્છાઓને સમજી શકતો નથી અને માનવી પરમાત્માની વાણીને પામી શકતો નથી. આવે સમયે સેતુરૂપ કામ સદગુરુનું હોય છે. જે કડીરૂપ બનીને પરસ્પરનો સંબંધ સર્જતો હોય છે.