તમે અવિરત ચાલતા તમારા મનોવિહાર વિશે તમે વિચાર કર્યો છે ખરો ? કોઈ પણ બાબત પર કશુંક નક્કી કરવાનું આવે એટલે તરત જ આ મનોવિહાર શરૂ થઈ જશે. જો તમે પૉઝિટિવ વિચારો ધરાવતા હશો, તો મનોવિહાર એક દિશામાં ચાલતો હશે અને જો નૅગેટિવ વિચારો ધરાવતા હશો તો મનોવિહાર બીજી દિશામાં ચાલવા લાગશે. કોઈ પણ કામ કે પડકાર તમારી સામે આવે એટલે તરત જ તમે હકારાત્મક હશો તો એમ કહેશો કે, ‘ચાલો, મોજથી આ કામ કરીશું અને આ કપરો પડકાર પણ ઝીલી લઈશું.’ પરંતુ તમારા મન પર નકારાત્મક વિચારોનું પ્રભુત્વ હશે, તો પહેલા જ ધડાકે તમે નક્કી કરશો કે, ‘આ કામ આ ભવમાં હું કરી શકું તેમ નથી. આટલો મોટો પડકાર હું ઝીલી શકું તેમ નથી. મારે મારી મર્યાદાઓનો વિચાર કરવો જોઈએ. મારે માથે એટલી બધી જવાબદારીઓ છે કે આ કામ કરવાની વાત તો દૂર રહી, પણ એને વિશે વિચારવાનું પણ શક્ય નથી.’
આ રીતે કેટલીક વ્યક્તિઓ જીવનમાં પૉઝિટિવ રહીને કામ કરતી હોય છે, પડકાર ઝીલતી હોય છે. ક્યારેક થોડીક ક્ષણો માટે ઉદાસ બનીને પણ અંતે એના પર વિજય મેળવતી હોય છે અને પોતાના ધ્યેયને સિદ્ધ કરતી હોય છે. જ્યારે નૅગેટિવ વિચાર કરનારી વ્યક્તિ એ કામ પર પહેલેથી જ ચોકડી મૂકી દે છે. તમારો વિચારપ્રવાહ કઈ દિશામાં વહે છે તે જાણવા માટે મનોવિહારને જોવો જોઈએ. કોઈ પણ તારણ કાઢતાં પૂર્વે એ વિચારોને ઓળખવા જોઈએ. એ વિચારોને તમારી જાતથી દૂર રાખીને ચકાસવા જોઈએ અને એનું બરાબર અવલોકન કરીને એને વિશે આગળ વધવું જોઈએ. કારણ એટલું જ કે નકારાત્મક વિચારધારાને જો તમે ઓળખી શકશો નહીં, તો એના પ્રવાહમાં વહેવા લાગશો અને પરિણામે જિંદગીમાં બધે જ મુશ્કેલીઓ, અશક્યતાઓ અને અવરોધો નજરે પડશે.