મંદિરમાં ઈશ્વરનાં દર્શન, અર્ચન કે પૂજન કરવા આવેલો ભક્ત એનું મન લઈને આવતો હોય છે અને જ્યાં સુધી એ મન સાથે ઈશ્વર પાસે જશે, ત્યાં સુધી એ પોતાના અતીત કે ભાવિ સાથે જોડાયેલો રહેશે, વર્તમાન સ્થિતિ સાથે એનો કોઈ તંતુ સંધાશે નહીં.
ભૂતકાળની ભૂલોના બોજને ઈશ્વર સમક્ષ આવીને એ આંસુથી ઓગાળવા માગે છે અથવા તો ભીતરના પશ્ચાત્તાપને પ્રગટ કરીને પોતે કરેલા અપરાધોમાંથી મુક્ત થવા ચાહે છે. આમ, મનને કારણે એવો ભૂતકાળ જાગી ઊઠે છે કે એ ઈશ્વરભક્તિનો પ્રત્યક્ષ આનંદ વીસરી જાય છે. એ જ રીતે મંદિરમાં મન સાથે જતો માનવી પોતાના અભાવને સાથે લઈ જાય છે. કોઈને સ્વર્ગ મેળવવું છે, તો કોઈને મોક્ષ પ્રાપ્ત કરવાની પ્રબળ ઇચ્છા હોય છે. કોઈને પ્રમોશન જોઈએ છીએ, તો કોઈ અનિષ્ટ કર્મોના પ્રભાવમાંથી મુક્ત થવાની ઝંખના રાખે છે.
મંદિર એ માગણીનું સ્થાન બને છે, હકીકતમાં એ સઘળી માગણીનું પૂર્ણવિરામ બનવું જોઈએ. ક્યારેક ભક્ત એના અભાવને લઈને મંદિરમાં જાય છે, તો ક્યારેક એની દ્વિધા સાથે પ્રવેશે છે. આ પૂજા તો કરું છું, પણ ફળશે ખરી ? એવી શંકા એના મનમાં હોય છે, તો વળી ક્યારેક હાથમાં પૂજાપો હોય અને મન ક્યાંક બીજે ભટકતું હોય છે. આથી ઈશ્વરની સાચી પૂજા મનથી નહીં, પણ મનના મૌનથી થઈ શકે.