કામચોરી અને દિલચોરી

બૅંકમાંથી ઘેર પાછા ફરેલા મૅનેજર મળવા આવેલા મિત્રને કહેતા હોય છે કે ‘આ કામ એવું તો ત્રાસદાયક છે કે ભગવાન મારા દુશ્મનને પણ બૅંક મૅનેજર ન બનાવે !’, યુનિવર્સિટીમાંથી અધ્યાપન કાર્ય કરીને આવેલા પ્રોફેસરને અફસોસ એ વાતનો હતો કે એણે બીજો કોઈ વ્યવસાય કર્યો નહીં અને અધ્યાપક બન્યા ! ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને આંકડાઓ જોઈ જોઈને એટલો બધો કંટાળો આવ્યો હોય છે કે આવા શુષ્ક કામથી એ તોબા પોકારતો હોય છે.

પોતાના વ્યવસાયને ધિક્કારતી વ્યક્તિઓ એમના કામમાં અને સાથોસાથ જીવનમાં સફળ થતી નથી. જેને પોતાના વ્યવસાય તરફ નફરત હોય છે, એ ક્યારેય સફળ વ્યવસાયી બની શકતો નથી. કારણ એટલું જ કે એને એના કામમાં કોઈ દિલચશ્પી હોતી નથી. કામને માટે કોઈ ઉત્સાહ હોતો નથી. પોતાના વ્યવસાય દ્વારા બીજાને મદદરૂપ થવાની કોઈ ભાવના એનામાં જાગતી નથી. સરકારી દફતરો, બૅંકો અને ઑફિસોમાં એવા ઘણા માણસો તમને જોવા મળે કે જેમને એમના કાર્ય પ્રત્યે ઉત્સાહ ન હોય અને મગરની જેમ મંદ અને નિસ્તેજ બેઠા હોય. કોઈ કંઈ પૂછવા આવે તો એમના ચહેરા પર અણગમો આવે અને ઉત્તર એવો શોધે કે જેથી એ કામ બીજાને પધરાવી દેવાય. આવી કામચોરી વ્યક્તિમાં દિલચોરી જગાવે છે અને એ દિલચોરી એના જીવનને ઉત્સાહ, આનંદ અને ઉમંગથી દૂર લઈ જાય છે. એ એમ માનવા લાગે છે કે ખોટા કામમાં એ ભરાઈ ગયો છે અને પરિણામે એ એના કામથી દૂર ભાગવાનો સતત પ્રયાસ કરે છે.

સમય જતાં આવી વ્યક્તિઓ માનસિક નિષ્ક્રિયતાનો શિકાર બને છે. બાકીનું જીવન રગશિયા ગાડાની માફક વેંઢારતા હોય એમ જીવે છે. એમના મનમાં રહેલી વ્યવસાય માટેની નફરત એમના જીવનને નકામું બનાવી દે છે, આથી જ વ્યક્તિ જે કોઈ વ્યવસાય કરતી હોય તેમાં એણે ઉત્સાહને રેડવો જોઈએ. ઉમંગના રંગો પૂરવા જોઈએ અને પોતાના વ્યવસાય પ્રત્યે આદર હોવો જોઈએ. આવી જ વ્યક્તિ એના વ્યવસાયમાં વિકાસ સાધી શકે છે અને જીવનમાં ઉત્સાહ જાળવી શકે છે.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑