બીજી વ્યક્તિ સાથે વાતચીત કરતાં આપણને આવડે છે ખરી ? બોલવાની કે સાંભળવાની કળા હોય, પણ સંવાદ સાધવાની કળા આપણને સાધ્ય છે ખરી ? મોટે ભાગે સામી વ્યક્તિ સાથે વાર્તાલાપ કરતી વખતે બોલનાર એમ જ માનતો હોય છે કે એ તદ્દન સાચો છે અને તેથી હવે એનું કામ સામેની વ્યક્તિના દિમાગમાં એની વાત બરાબર ઠસાવવાનું છે. જે ક્ષણે એ વાત ઠસાવવાનો પ્રયત્ન કરે છે, એ ક્ષણે સામેની વ્યક્તિમાં સ્વીકારને બદલે અસ્વીકારની ભૂમિકા ઊભી થાય છે.
કેટલીક વ્યક્તિ વાત કરતી વખતે માત્ર પોતાના જ વિચાર ઝીંક્યે રાખે છે અને સામી વ્યક્તિના એ અંગેના પ્રતિભાવની લેશમાત્ર દરકાર કરતો નથી. કેટલાક એટલા અહમ્ સાથે વાત કરતા હોય છે કે જાણે એ સર્વજ્ઞ છે એમને ત્રણેય કાળનું જ્ઞાન છે. વાત કરનારનો આ અહમ્ સામી વ્યક્તિના હૃદયમાં સતત ભોંકાયા કરે છે અને નારાજગીનું વાતાવરણ સર્જે છે. વળી એવું પણ બને કે સામેની વ્યક્તિ પોતાનો વિચાર વ્યક્ત કરતી હોય, ત્યારે એનો વિચાર પૂર્ણ રીતે સાંભળવાની ધીરજ ઘણી વ્યક્તિમાં હોતી નથી, એ અધવચ્ચે જ વાનર-કૂદકો લગાવે છે અને તેને પરિણામે સામી વ્યક્તિને પોતાની વાત પૂર્ણરૂપે પ્રગટ કરી શક્યા નહીં એનો અફસોસ રહે છે.
સંવાદ તો ત્યારે જ સધાય કે જ્યારે વ્યક્તિ સામેની વ્યક્તિને વિશ્વાસમાં લઈને પ્રેમથી પોતાના વિચાર પ્રગટ કરતી હોય. આથી વ્યક્તિએ પોતાના વિચાર અને અભિગમ વ્યક્ત કરવાની સાથોસાથ જેની સાથે વાત કરે છે એના વિચાર અને અભિગમ જાણવાની જરૂ૨ છે. આમાં ક્યારેય એકમાર્ગી રસ્તો હોતો નથી અને જો વ્યક્તિ પોતાના જ વિચાર સતત કહ્યે રાખે, તો પરિણામ એવું આવશે કે સામી વ્યક્તિને જીતી લેવાની વાત તો દૂર રહી, પણ તમે તમારા વિચારો સાથે એને સંમત પણ કરી શકશો નહીં.