ફિકરની ફાકી કરે

 ‘આજની ઘડી રળિયામણી’ એ મધુર કાવ્યપંક્તિ હોવાની સાથોસાથ જીવનના ઊંડા અનુભવનું નવનીત અર્પે છે. વ્યક્તિ જો આજને જુએ, તો એની ઘડીને રળિયામણી બનાવી શકે છે. પણ મોટે ભાગે એ પાછળ રહેલા ભૂતકાળનો વિચાર કરતી હોય છે અથવા તો આવનારા ભવિષ્યની ચિંતા સેવતી હોય છે. જ્યારે હકીકતમાં વ્યક્તિની આજ અને આ ક્ષણ એ જ સૌથી મહત્ત્વની હોય છે.

આમેય આપણી સાથે કોણ હોય છે ? આપણો વર્તમાનકાળ. ભૂતકાળ તો વીતી ગયો છે અને એને જોવા માટે સમયનું મુખ પાછું વાળીને જોવો પડે. વળી ભૂતકાળ એ સદાને માટે ભૂતકાળ બની ગયો છે એટલે ગમે તેટલું ઇચ્છીએ, તોપણ એને ફરી જીવી શકતા નથી કે જીવંત કરી શકતા નથી. જ્યારે ભવિષ્યકાળને આપણે જોઈ શકીએ છીએ, પરંતુ એ આપણી સમીપ નહીં, બલ્કે ઘણો દૂર હોય છે. મહિમા તો આજનો છે. સમસ્યા પણ વર્તમાનની છે અને એનો ઉકેલ પણ વર્તમાનમાં છે.

ભારતીય સંતોનું જીવન જુઓ ! પરમ આધ્યાત્મિકતાનું હૃદય પારખી ગયેલા એ સંતો હંમેશાં આજ પર જીવ્યા. કાલની સહેજે ચિંતા કરી નહીં. એમને આજનો આનંદ છે. ભૂતકાળના બોજ નીચે એમની વિચારધારા કચડાતી નથી કે ભવિષ્યની ફિકર સાથે એ જીવતા નથી. ‘ફિકરની ફાકી કરે તે ફકીર’ એ આ અર્થમાં અને એટલે જ પ્રત્યેક વ્યક્તિએ વર્તમાનમાં રહીને જીવન જીવવું જોઈએ. ભૂતકાળનાં સ્મરણોમાં કે ભવિષ્યના ખ્વાબમાં નહીં.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑