ટીકા કરનાર પ્રત્યે ગુસ્સો નહીં, પણ દયા ખાવાની જરૂર છે. કેટલીક ઉદ્દંડમિજાજી વ્યક્તિને ટીકા કરવામાં આનંદ આવે છે. કોઈ પણ સારી બાબત હોય, તો એની ટીકા કરવાનું વિકૃત વલણ એમનામાં જોવા મળે છે. વ્યક્તિના નકારાત્મક વલણમાંથી કે મનની હતાશામાંથી ટીકાત્મક વલણ જાગ્રત થતું હોય છે.
કેટલીક વ્યક્તિઓ બીજાથી પોતાની સરસાઈ સિદ્ધ કરવા માટે ટીકાનો શૉર્ટકટ અપનાવે છે. કોઈ મહેનતુ વ્યક્તિએ ઉદ્યોગોમાં વિકાસ સાધ્યો હોય, તો એ એવી ટીકા કરશે કે અંબાણી કે તાતાની સામે એ બિચારો કોઈ વિસાતમાં નથી. કોઈ કવિએ સુંદર કાવ્ય લખ્યું હોય તો કહેશે કે ખરું કાવ્ય તો પેલા મહાકવિનું, આ કાવ્ય તો જોડકણાં જેવું કહેવાય !
આવી ટીકાના મૂળમાં ઈર્ષાનો ભાવ હોય છે અને એ ઈર્ષા ટીકા સ્વરૂપે પ્રગટ થતી હોય છે. આપણા દેશમાં તો ટીકા કરવા માટે ઘણા માર્ગો છે. વ્યક્તિની જાતિને અનુલક્ષીને પણ ટીકા થાય છે, તો એની જ્ઞાતિને અનુલક્ષીને પણ ટીકા થાય છે. એના પહેરવેશ કે એની જીવનરીતિને પણ ધ્યાનમાં રાખીને ટીકા થઈ શકે છે. ક્યારેક તો એવું લાગે કે એવી જાતજાતની ટીકા કરનારાઓ મળે છે કે દેશની ૧૨૦ કરોડની વસ્તીમાં કોઈ પણ વ્યક્તિ એવી નહીં હોય કે જેને કોઈ ને કોઈ પ્રકારની ટીકાનો સામનો કરવો પડ્યો ન હોય !